ISRO ના પ્રમુખે જાહેર કરી ગગનયાન મિશનના લોન્ચની તારીખ, ચંદ્ર પર મોકલાશે 350 કિલોનું રોવર

નવી દિલ્હી : ઈસરોના વડા એસ સોમનાથે આગામી અવકાશ મિશનની તારીખો જાહેર કરી છે. એસ સોમનાથના જણાવ્યા અનુસાર, ISRO વર્ષ 2026માં ગગનયાન મિશન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. જ્યારે ચંદ્રયાન મિશન વર્ષ 2028માં લોન્ચ થઈ શકે છે. ઈસરોના વડા એસ સોમનાથે શનિવારે આકાશવાણીના સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ISRO જાપાન સાથે મળીને ચંદ્રયાન-5 મિશન બનાવશે
એસ સોમનાથે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે માનવસહિત અવકાશ મિશન ગગનયાન 2026માં લોન્ચ થવાની સંભાવના છે. આ ઉપરાંત ચંદ્રયાન-4, મિશન જે ચંદ્ર પરથી નમૂનાઓ લાવશે તે વર્ષ 2028 માં લોન્ચ કરવામાં આવશે. વર્ષ 2025માં ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત ઓપરેશન NISAR શરૂ કરવાની યોજના છે. ઈસરોના વડાએ કહ્યું કે ચંદ્રયાન-5 મિશન જાપાનની સ્પેસ એજન્સી JAXAના સહયોગથી પૂર્ણ થશે. જો કે, આ માટે હજુ સમય છે અને તેને વર્ષ 2028 પછી જ લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
Also Read – Video: Space Xની વધુ એક કમાલ! લોન્ચપેડ પર આવી રહેલા બૂસ્ટરને હવામાં જ પકડી પાડ્યું
ચંદ્રયાન-5માં 350 કિલોનું રોવર મોકલવામાં આવશે
ઈસરોના વડાએ કહ્યું કે ચંદ્રયાન-5 મિશન મનુષ્યને ચંદ્ર પર મોકલવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ચંદ્રયાન-5 મિશન હેઠળ મોકલવામાં આવનાર રોવરનું વજન લગભગ 350 કિલો હશે. અગાઉ ચંદ્રયાન-3 મિશનમાં મોકલવામાં આવેલ રોવર માત્ર 27 કિલોનું હતું. ચંદ્રયાન-5 મિશનનું લેન્ડર ઈસરો દ્વારા બનાવવામાં આવશે, જ્યારે 350 કિલો વજન ધરાવતું રોવર જાપાન બનાવશે.