નેશનલ

ઈસરોનો ‘બાહુબલી’ રચશે ઈતિહાસ: અમેરિકાના 6,100 કિલોના બ્લુ બર્ડ-6 સેટેલાઇટ સાથે ભરશે ગગનચુંબી ઉડાન!

બેંગલુરુ: ભારતના અંતરિક્ષ ઈતિહાસમાં નાતાલના તહેવાર પૂર્વે એક નવો અને સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચેની એક ઐતિહાસિક જુગલબંધીના ભાગરૂપે, ભારતનો સૌથી શક્તિશાળી ‘બાહુબલી’ રોકેટ LVM3 અમેરિકાની કંપની AST SpaceMobileના નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન સેટેલાઇટ ‘બ્લુ બર્ડ 6’ (BlueBird 6) ને લઈને અંતરિક્ષમાં ઉડાન ભરશે. 24મી ડિસેમ્બરના રોજ સવારે 8:54 વાગ્યે થનારું આ લોન્ચિંગ ભારત માટે એટલા માટે ખાસ છે કારણ કે આ અત્યાર સુધીનો ભારત દ્વારા લોન્ચ કરવામાં આવનારો સૌથી વજનદાર સેટેલાઇટ છે.

બ્લુ બર્ડ 6નું વજન 6,100 કિલોગ્રામ

ઈસરોના અધ્યક્ષ ડો. વી. નારાયણે આ મિશનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બ્લુ બર્ડ 6નું વજન અંદાજે 6,100 કિલોગ્રામ છે. આ આંકડો ભારતની લોન્ચિંગ ક્ષમતામાં એક મોટી છલાંગ સમાન છે. ભારતનો ‘બાહુબલી’ કહેવાતો LVM3 રોકેટ, જેની ઊંચાઈ 43.5 મીટર અને વજન 640 ટન છે, તે અત્યંત ભારે પેલોડને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઈ જવા માટે સક્ષમ છે. આ મિશન ઈસરોની એન્જિનિયરિંગ શક્તિ અને વૈશ્વિક વિશ્વસનીયતાનું પ્રતીક બની રહેશે.

LVM3 રોકેટનો ટ્રેક રેકોર્ડ અત્યાર સુધી 100% સફળ રહ્યો છે. અત્યાર સુધીના તેના તમામ સાતેય મિશન સફળ રહ્યા છે, જેમાં ભારતને ગૌરવ અપાવનાર ‘ચંદ્રયાન-3’નો પણ સમાવેશ થાય છે. આ આઠમું મિશન અને ત્રીજું સંપૂર્ણ વ્યાવસાયિક લોન્ચિંગ છે. આ મિશન દ્વારા ભારત મલ્ટિ-બિલિયન ડોલરના વૈશ્વિક સ્પેસ માર્કેટમાં સ્પેસ-એક્સ અને એરિયનસ્પેસ જેવા દિગ્ગજો સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે.

સૌથી મોટી ખાસિયત એ છે કે….

બ્લુ બર્ડ 6 સેટેલાઇટ ટેકનોલોજીની દ્રષ્ટિએ કોઈ ચમત્કારથી ઓછો નથી. આ સેટેલાઇટમાં 2200 ચોરસ મીટરમાં ફેલાયેલું વિશાળ એન્ટેના લગાવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટેના માનવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈપણ ગ્રાઉન્ડ સ્ટેશન કે સ્પેશિયલ ટર્મિનલ વગર સીધા જ સામાન્ય સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકશે. આ ટેકનોલોજી દ્વારા ભવિષ્યમાં દુનિયાના એવા વિસ્તારોમાં પણ 5G બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પહોંચાડી શકાશે જ્યાં આજે મોબાઈલ નેટવર્ક પહોંચવું અશક્ય છે.

અમેરિકાના ટેક્સાસ સ્થિત AST SpaceMobile કંપનીનો લક્ષ્યાંક 2026 સુધીમાં આવા 45 થી 60 સેટેલાઇટ લોન્ચ કરવાનો છે, જેથી વૈશ્વિક સ્તરે ડિજિટલ ડિવાઈડને નાબૂદ કરી શકાય. આ મિશનની સફળતા માત્ર નેટવર્ક કનેક્ટિવિટી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આપત્તિ વ્યવસ્થાપનમાં પણ ક્રાંતિ લાવશે. કુદરતી હોનારત સમયે જ્યારે જમીન પરના ટાવરો નિષ્ફળ જાય છે, ત્યારે આ સેટેલાઇટ ટેકનોલોજી સીધી સ્માર્ટફોન કનેક્ટિવિટી આપીને હજારો લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button