ઈઝરાયલનો ગાઝા પર હુમલો : ૩૫નાં મોત
દીર અલ બલાહ (પેલેસ્ટાઈન): મધ્ય ગાઝામાં ઈઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા ૩૫ જણનાં મોત થયાં છે એવી માહિતી હૉસ્પિટલના અધિકારીઓએ આપી હતી. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામના આંતરરાષ્ટ્રીય અનુરોધને ઠુકરાવીને કહ્યું હતું કે યુદ્ધ હજી ઘણાં મહિના ચાલુ રહેશે. આના એક દિવસ બાદ આજે ઈઝરાયલે મધ્ય ગાઝામાં અનેક હુમલા કર્યા હતા.
લશ્કરે કહ્યું હતું કે ઈઝરાયલી દળો ગાઝાના બીજા નંબરના મોટા શહેર ખાન યુનિસમાં હુમલા કરી રહ્યા છે અને રહેવાસીઓેએ કહ્યું હતું કે ગયા અઠવાડિયાથી ઈઝરાયલે આ શહેરને
લક્ષ્ય બનાવ્યું છે. આનાથી યુદ્ધ વિસ્તારમાં વ્યાપક રીતે પ્રસરે એવી આશંકા ઊભી થઈ છે. અમેરિકાના લશ્કરે કહ્યું હતું કે તેણેે યમનના હાઉથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં ક્ધટેનર શિપ પર છોડેલી બે એન્ટિશિપ મિસાઈલને તોડી પાડી હતી. આના થોડા કલાકો બાદ ચાર બોટે આ જ જહાજ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમેરિકાનાં દળોએ ફાયરિંગ કરતાં અનેક સશસ્ત્ર લોકો માર્યા ગયાં હતાં એવી માહિતી અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે આપી હતી. ઈઝરાયલ કહે છે કે અમારી ઈચ્છા હમાસની વહીવટ અને લશ્કરી ક્ષમતાનો નાશ કરવાની છે. હમાસે સાત ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયલમાં હુમલો કરીને ૧૨૦૦ લોકોને મારી નાખ્યા હતા અને ૨૪૦ને બંધક બનાવ્યા હતા. આના જવાબમાં ઈઝરાયલના અભૂતપૂર્વ હવાઈ અને જમીની હુમલામાં ૨૧,૬૦૦ પેલેસ્ટાઈનીઓ મરણ પામ્યા છે અને બીજા ૫૫,૦૦૦ ઘાયલ થયા છે. ઈઝરાયલ અને હમાસના યુદ્ધને લીધે માનવતાની કસોટી ઊભી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા પ્રમાણે ગાઝાના પા ભાગના લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. ઈઝરાયલના બૉમ્બમારાએ ભયંકર વિનાશ કર્યો છે અને ૮૫ ટકા રહેવાસીઓ બેઘર બન્યા છે. (એજન્સી)