ઇઝરાયલની એરસ્ટ્રાઈક્સ: ગાઝાના રહેવાસીઓ સતત ભયમાં
ખાન યુનિસ (ગાઝા પટ્ટી): ગુરુવારે વહેલી સવારે ગાઝા પટ્ટીના વિવિધ સ્થળો પર ઇઝરાયલે એરસ્ટ્રાઈક્સ કરી હતી. જે સ્થળ પર બૉમ્બમારો નહીં કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું તેવા સ્થળો પર પણ બૉમ્બમારો કરવામાં આવતા ગાઝાના રહેવાસીઓ સતત ભયભીત થઈ રહ્યા છે. ગાઝા પટ્ટીમાં કોઈ જગ્યા સુરક્ષિત નથી તેવું ગાઝાના વીસ લાખથી વધુ રહેવાસીઓને લાગણી થઈ રહી છે.
શનિવાર ૭મી ઑક્ટોબરે હમાસના ત્રાસવાદીઓ ઇઝરાયલમાં ત્રાટક્યા હતા તે પછી વળતા જવાબમાં ઇઝરાયલ ગાઝા પટ્ટી પર બૉમ્બમારો કરી રહ્યું છે.
ગાઝામાં તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો અટકાવી દેવામાં આવ્યો તે પછી હવે ગાઝામાં લાખો લોકોને એક ટંક ભોજનથી ચલાવી લેવું પડે છે અને અસ્વચ્છ પાણી પીવું પડે છે.
દસ લાખથી વધુ પેલેસ્ટાઈનવાસીઓ પોતાનું ઘેર છોડી ભાગી ગયા છે. ગાઝા શહેરના અને ઉત્તરી ગાઝા ક્ષેત્રના હજારો લોકો યુનાઇટેડ નેશન્સની શાળાઓમાં અથવા ગાઝાના દક્ષિણ વિસ્તારમાં રહેતા સગાઓના ઘરે રહેવા લાચાર થયા છે.
ઈજિપ્તની સરહદ પાસેના રફાહમાં ટોચના ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યો છે તેવું ઇઝરાયલનું સૈન્ય કહે છે. ટનલ શાફ્ટ (સુરંગ), જાસૂસી માળખું, કમાન્ડ સેન્ટર સહિત ગાઝામાં ત્રાસવાદીઓના સેંકડો ઠેકાણા પર એરસ્ટ્રાઈક્સ કરવામાં આવી છે તેવું ઇઝરાયલનું સૈન્ય કહે છે. તોપગોળા છોડનારા સંખ્યબંધ મોર્ટાર લોન્ચિંગ થાણા નષ્ટ કરવામાં આવ્યા છે. હમાસ ત્રાસવાદીઓ સામાન્ય નાગરિકોની વચ્ચે શરણ લઈ રહ્યા છે અને ઇઝરાયલી સૈન્ય ત્રાસવાદીઓ પર બૉમ્બમારો કરતું હોવાથી ગાઝાના નાગરિકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
યુદ્ધની શરૂઆત પછી ગાઝામાં ૩,૪૭૮ લોકોનાં મોત થયા છે અને ૧૨,૦૦૦થી વધુને ઇજા થઈ છે તેવું ગાઝા આરોગ્ય મંત્રાલય કહે છે. ૧,૩૦૦થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા છે. ઇઝરાયલના ૧૪૦૦થી વધુ લોકોની હત્યા કરવામાં આવી હતી. લગભગ ૨૦૦ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.
અમેરિકાના પ્રમુખ બાઈડન તેલ અવીવ આવ્યા હતા. ઇઝરાયલને તમામ મદદ આપવામાં આવશે તેવું બાઈડને કહ્યું હતું. ગાઝા અને વેસ્ટ બૅન્કના પેલેસ્ટાઈન લોકોને દસ કરોડ ડોલર જેટલી સહાય આપવાનું બાઈડને જાહેર કર્યું હતું.