નેશનલ

ઇઝરાયલે હમાસના ખાતમા માટે બાંયો ચઢાવી

*ગાઝા પટ્ટી પર કાઉન્ટડાઉન શરૂ

નાગરિકોને શહેર છોડવા ૩ કલાકનું અલ્ટીમેટમ

ગાઝા: ગાઝા પટ્ટી પર ઇઝરાયલનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ઇઝરાયલના સૈનિકોએ બોમ્બમારો રોકી દીધો છે અને નાગરિકોને શહેર છોડવા માટે ત્રણ કલાકનું અલ્ટીમેટમ જારી કરવામાં આવ્યું છે. આ અગાઉ ઇઝરાયલની સેનાએ દાવો કર્યો હતો કે ગાઝા પટ્ટીને તેની જમીન, વાયુ અને નૌસેનાએ ચારેબાજુથી ઘેરી લીધી છે. માત્ર આદેશ મળવાની રાહ છે. સેનાનું આ નિવેદન વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની સીમા નજીક સૈનિકો સાથેની મુલાકાત બાદ આવ્યું છે.

ગાઝા પટ્ટી પર ઇઝરાયલ અને હમાસ આતંકવાદીઓ વચ્ચેનું યુદ્ધ હવે નિર્ણાયક રૂપ ધારણ કરી ચૂક્યું છે. હમાસ આતંકવાદીઓના સફાયા માટે ઇઝરાયલે કમર કસી છે. ત્રણેય બાજુથી ઇઝરાયલની સેના ગાઝા પટ્ટી ઉપર આફત બનીને તૂટી પડવાની છે. અત્યાર સુધીના આંકડાઓ અનુસાર બન્ને પક્ષોના આશરે ૪૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં અનેક નિર્દોષ નાગરિકો પણ સામેલ છે.

ઇઝરાયલની સેનાએ ગાઝાનો નક્શો બદલવા માટે રણનીતિ તૈયાર કરી લીધી છે. ઇઝરાયલ જમીન, હવા અને દરિયાઇ માર્ગે આતંકવાદીઓનો ખાતમો કરવા મેદાને પડશે. જો કે ઇઝરાયલની સેનાએ ક્યારે હુમલો કરશે તે સ્પષ્ટ કર્યું નથી. પરંતુ મીડિયા અહેવાલ અનુસાર ઇઝરાયલે ગાઝામાં સામાન્ય નાગરિકોને ત્રણ કલાકનું અલ્ટીમેટમ આપી તેના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. એવા સમાચાર છે કે ઇઝરાયલે બોમ્બમારો બંધ કરી દીધો છે અને સામાન્ય લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા જણાવ્યું છે.

હમાસ આતંકવાદીઓના ખાતમા માટે ઇઝરાયલી સેના સીક્રેટ મિશનની તૈયારી કરી રહી છે. જેમાં હમાસના ટોચના નેતાઓનો સફાયો સામેલ છે. બિલાલ અલ કદરાને ઇઝરાયલ પતાવી ચૂક્યું છે અને હવે ઇઝરાયલની નજર ઇસ્માઇલ હનિયેહ બાદ બીજા ટોપ લીડર હમાસ તેના યાહ્યા સિનવારને ઠાર કરવાની છે. ઇઝરાયલ ઉપર રોકેટ હુમલા પાછળનો માસ્ટર માઇન્ડ સિનવાર જ હતો.

હમાસ દ્વારા ઇઝરાયલ પર કરાયેલ હુમલા બાદ દુનિયામાં બે તડાં પડી ગયા હોવાનું દેખાઈ રહ્યું છે. એક બાજુ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો ઇઝરાયલની પડખે ઊભા છે, તો બીજી બાજુ ઈરાન સહિતના આરબ દેશો (યુએઈ સિવાય) હમાસની તરફદારી કરતા દેખાય છે. ઈરાને આ મામલે હવે યુદ્ધમાં સીધા કૂદી પડવાના સંકેત આપ્યા છે. ઇરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહહિયાન અત્યારે લેબેનોનની મુલાકાતે છે, જ્યાં તેમણે એવું નિવેદન આપ્યું છે કે ‘ગાઝા પર સતત હુમલા, યુદ્ધ અપરાધ અને ગાઝા પર કબ્જો જમાવવા જેવા ઇઝરાયેલના પગલાં યુદ્ધમાં નવા મોરચા ખોલી શકે છે. માટે ઇઝરાયેલે તાત્કાલિક હુમલા બંધ કરવા જોઈએ.’ તેમના આ નિવેદન બાદ લેબેનોનનું ઉગ્રવાદી સંગઠન ‘હિજબુલ્લાહ’ પણ યુદ્ધમાં જોડાઈ શકે તેવી આશંકા પ્રબળ બની છે. કેટલાક અહેવાલો મુજબ હમાસને હુમલાની તાલીમ પણ ઈરાન દ્વારા અપાઈ હતી, જેનો ઈરાન સતત ઇનકાર કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા ઇઝરાયલ પર થયેલ હુમલા બાદ ઈરાન, ઇરાક, કતાર, અને ઇજિપ્ત જેવા કેટલાક દેશોમાં ઉજવણીઓ થઈ હતી અને મીઠાઈઓ વહેંચાઈ હતી. લેબેનોન જતાં પહેલા ઇરાનના વિદેશ મંત્રીએ ઇરાકમાં વડા પ્રધાન મુહમ્મદ શિયા અલ-સુદાની સાથે પણ મુલાકાત કરી હતી. ઈરાન હિજબુલ્લાહ અને હમાસને સતત સમર્થન આપતું રહ્યું છે અને ઇઝરાયલ વિરોધી આરબ દેશોનું નેતૃત્વ કરતું રહ્યું છે. યુએઈ અને અમેરિકા ઇઝરાયલનો સીધો વિરોધ કરવાથી બચતા રહ્યા છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button