ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં જળસ્રોતોનો પ્રવાહ બંધ કર્યો
દેર અલ-બાલાહ (ગાઝા પટ્ટી): ઇઝરાયલે ગાઝાના દક્ષિણ તરફ જવા માટે સોશિયલ મીડિયા પર અને હવામાંથી પત્રિકાઓ ફેંકીને આપેલી ચેતવણી બાદ ગાઝાના નાગરિકોએ ગાઝાના વિસ્તારોમાંથી ભાગી જવા માટે સંઘર્ષ શરૂ કર્યો હતો. ઇઝરાયલ દ્વારા અહીંના જળ સ્ત્રોતોનો પ્રવાહ બંધ કર્યા પછી વધતી જતી પાણીની કટોકટીનો તેઓ સામનો કરી રહ્યા છે. બીજી તરફ હમાસે લોકોને તેમના ઘરોમાં રહેવા વિનંતી કરી હતી. જોકે, ગાઝામાં ખોરાક, બળતણ અને પીવાના પાણીનો પુરવઠાની અછત ચાલી રહી છે.
યુએન અને સહાય જૂથોએ જણાવ્યું હતું કે આવી ઝડપી હિજરતથી હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ, વૃદ્ધ લોકો અને અન્ય લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ઇવેક્યુએશન ડાયરેક્ટિવ ૧૧ લાખ રહેવાસીઓના વિસ્તારને અથવા પ્રદેશની લગભગ અડધી વસ્તીને આવરી લે છે.
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે હજારો પેલેસ્ટિનિયનોએ પહેલેથી જ ચેતવણીનું ધ્યાન રાખ્યું હતું અને દક્ષિણ તરફ પ્રયાણ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે પેલેસ્ટિનિયનો સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી બે મુખ્ય માર્ગો પર ગાઝાની અંદર મુસાફરી કરી શકે છે.
પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટેની યુએન એજન્સીના પ્રવક્તા જુલિયેટ ટૌમાએ જણાવ્યું હતું કે શનિવાર બપોર સુધીમાં ઉત્તર ગાઝામાં કેટલા પેલેસ્ટિનિયન રહી ગયા તે સ્પષ્ટ નથી. અમે જાણીએ છીએ કે હજારો લોકો ભાગી ગયા છે.
કાર, ટ્રક અને ગધેડા ગાડાઓથી ભરેલા પરિવારોએ ગાઝા સિટીથી દૂર જતા મુખ્ય રસ્તા પર ભીડ કરી હતી.
૪૦-કિલોમીટર લાંબા પ્રદેશ પર ઇઝરાયલે હવાઈ હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું હતું.