ગાઝા: ઈઝરાયલની સેના અને ટૅન્કો સોમવારે ગાઝામાં વધુ અંદર સુધી ઘૂસ્યા હતા અને હમાસના આતંકવાદીઓના કબજા હેઠળના સૈનિકો અને મુખ્ય શહેરના વધુ વિસ્તારો મુક્ત કરાવ્યા હતા.
ઈઝરાયલ દ્વારા હવાઈહુમલાઓ હૉસ્પિટલોની વધુ નજીકના વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે એવી ચેતવણી આપતા સંયુક્ત રાષ્ટ્રસંઘ અને તબીબી કર્મચારીઓએ કહ્યું હતું કે હજારો લોકોએ હૉસ્પિટલની આસપાસના વિસ્તારમાં આશરો લીધો છે અને આ હવાઈ હુમલાઓમાં હજારો લોકો ઘાયલ થયા છે.
સાત ઑક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કરી હમાસ દ્વારા બાનમાં રાખવામાં આવેલી મહિલા સૈનિકને બચાવી લેવામાં આવી છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ બાનમાં લેવાયેલી મહિલા સૈનિકને બચાવી લેવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે, એમ ઈઝરાયલની સેના દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે, મહિલા સૈનિક વિશે તેમણે વધુ માહિતી જાહેર નહોતી કરી પરંતુ કહ્યું હતું કે મહિલાનો મેળાપ તેનાં પરિવારજનો સાથે કરાવી દેવામાં આવ્યો હતો.
વડા પ્રધાન બૅન્જામિન નૅતાન્યાહૂએ એમ કહીને આ મહિલા સૈનિકને આવકારી હતી કે ઈઝરાયલની સેનાની આ સિદ્ધિ બાનમાં લેવાયેલા ઈઝરાયલવાસીઓને છોડાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
યુદ્ધનો અંત આણવા તેમ જ બાનમાં રાખવામાં આવેલા લોકોને મુક્ત કરવા શસ્ત્રવિરામના પ્રસ્તાવને નૅતાન્યાહૂએ એમ કહીને નકારી કાઢ્યો હતો કે શસ્ત્રવિરામનો મતલબ અમે હમાસને શરણે થઈ ગયા એમ થશે અને અમે એ નહીં થવા દઈએ. છેલ્લા પચાસ વર્ષમાં ઈઝરાયલ પર કરવામાં આવેલા આ અસાધારણ હુમલાને ટાળવામાં મળેલી નિષ્ફળતાને પગલે લોકોમાં વધી રહેલા રોષને પગલે હોદ્દા પરથી રાજીનામું આપી દેવાની કોઈ યોજના ન હોવાનું તેમણે કહ્યું હતું. મહિલાઓ, બાળકો અને પુરુષો સહિત ૨૪૦ જણ હમાસના આતંકવાદીઓના કબજામાં હોવાનું માનવામાં આવે છે. હમાસને સજા કરવા અને ગાઝા પર હમાસના ૧૬ વર્ષના શાસનનો અંત આણવા ઈઝરાયલે યુદ્ધ છેડ્યું હોવા છતાં બાનમાં રખાયેલા લોકોને વહેલામાં વહેલી તકે મુક્ત કરાવવા નૅતાન્યાહૂ પર દબાણ વધી રહ્યું છે. (એજન્સી)