જમીન માર્ગે હુમલો કરવાની ઈઝરાયલની તૈયારી
જેરુસલેમ: ઈઝરાયલની સેનાએ દસ લાખ જેટલા પેલેસ્ટાઈનવાસીઓને સુરક્ષિત સ્થળે ખસી જવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. હમાસના આતંકવાદીઓ શાસિત ગાઝા વિસ્તાર પર જમીન માર્ગે અપેક્ષિત હુમલો કરતા અગાઉ ઈઝરાયલે ગાઝાના લગભગ અડધોઅડધ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવાનો અસાધારણ આદેશ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી હતી કે એકસામટા આટલા બધા લોકોની હિજરત આફત પુરવાર થશે. અઠવાડિયા અગાઉ ઈઝરાયલ પર હજારો રોકેટ છોડીની અસાધારણ હુમલો કરનાર હમાસે લોકોને ઘરમાં જ રહેવાની હાકલ કરી હતી. હજારો પેલેસ્ટાઈનવાસીઓનું રહેઠાણ ગણાતાં ગાઝા શહેરને ખાલી કરવાના ઈઝરાયલે આપેલા આદેશે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. હવાઈહુમલા,
ગાઝાને સંપૂર્ણ ઘેરો ઘાલવા ઉપરાંત સંપૂર્ણ વિસ્તારનો વીજપુરવઠો ખંડિત કરવાના ઈઝરાયલના ઈરાદાથી ડરીને લોકો ભાગી રહ્યા છે.
ગાઝા શહેરમાં પેલેસ્ટેનિયન રેડ ક્રિસન્ટના પ્રવક્તા નૅબાલ ફારસાકે કહ્યું હતું કે જો તમારે જીવતા રહેવું હોય તો અનાજ, વીજળી, ઈંધણને ભૂલીને તમે કઈ રીતે બચી શકો છો તેની જ ચિંતા કરવાની જરૂર છે.
હમાસ અને ઈઝરાયલ વચ્ચેના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષના ૨,૮૦૦ જણનાં મોત થયાં છે.
હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલ ગાઝા પર સતત બૉમ્બમારો કરી રહ્યું છે.
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં પ્રવેશીને બાળકો સહિત સેંકડો લોકોની હત્યા કરી હોવા ઉપરાંત ૧૫૦ જેટલા લોકોને બાનમાં લીધા છે.
ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બાનમાં રાખવામાં આવેલા ૧૩ જણનાં મોત થયાં હતાં.
મૃત્યુ પામનારાંઓમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. જોકે, તેમની રાષ્ટ્રીયતા જાહેર કરવામાં નહોતી આવી.
હમાસના આતંકવાદીઓ બાનમાં રાખવામાં આવેલા લોકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝાને અનાજ, વીજળી સહિત કોઈપણ પ્રકારનો પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે, એમ ઈઝરાયલે કહ્યું હતું.
ઈઝરાયલની સેનાએ ઉત્તર ગાઝાના લોકોને દક્ષિણ વિસ્તારમાં ખસી જવાનો આદેશ આપ્યો છે જેની અસર ૧૧ લાખ જેટલા નાગરિકો પર થશે, એમ સંયયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું હતું.
ઈઝરાયલે કહ્યું હતું કે અમે હમાસના લશ્કરી માળખા પર પ્રહાર કરવા માગીએ છીએ જે જમીનમાં ખૂબ ઊંડે આવેલા છે. (એજન્સી)