નેશનલ

ઈઝરાયલને હવે યુરોપિયન દેશોનો પણ ટેકો

નવી દિલ્હી: ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં અમેરિકા સહિત ત્રણ દેશના નેતાઓએ ઈઝરાયલની મુલાકાત લીધી હોવા વચ્ચે હવે ફ્રાન્સ, ગ્રીસ અને નૅધરલૅન્ડ્સના નેતાઓ પણ ઈઝરાયલની મુલાકાત લેવાની તૈયારીમાં છે. યહુદી દેશ ઈઝરાયલને અત્યાર સુધીમાં અનેક દેશનું સમર્થન મળી ગયું છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને મામલે વિશ્ર્વ બે જૂથમાં વહેંચાઈ ગયું છે. એકતરફ આરબ દેશ, રશિયા, ચીન જેવી તાકાત પૅલેસ્ટાઈનને સાથ આપી રહી છે તો બીજી તરફ અમેરિકા, બ્રિટન સહિતના પશ્ર્ચિમી દેશો ઈઝરાયલના સમર્થનમાં ખુલ્લેઆમ આગળ આવ્યા છે. અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન, બ્રિટનના વડા પ્રધાન ઋષી સૂનક અને જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ ઈઝરાયલની મુલાકાતે જઈ આવ્યા છે.

યુરોપિયન દેશ ગ્રીસના વડા પ્રધાન કિયિરિયાકોસ મિત્સોટાકિઝે પણ સોમવારે ઈઝરાયલ પહોંચ્યા હતા. આ ઉપરાંત નૅધરલૅન્ડ્સના પ્રમુખ માર્ક રુટ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઍમ્યુનલ મૅક્રોન પણ ઈઝરાયલની મુલાકાતે જવાના છે. આ તમામ નેતાઓ ઈઝરાયલના વડા પ્રધાન બૅન્જામિન નૅતન્યાહૂને મળશે. ઈઝરાયલે ગાઝાપટ્ટી પરનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો છે. સોમવારે ઈઝરાયલની સેનાએ ગાઝાપટ્ટી પર અનેક રોકેટ છોડ્યા
હતા. ઈઝરાયલના આ હુમલામાં ૭૦ લોકોનાં મોત નીપજ્યા હોવાનો હમાસે દાવો કર્યો હતો.

ઈઝરાયલના વડા પ્રધાન બૅન્જામિન નૅતન્યાહૂએ રવિવારે મોડી રાત્રે સેનાના ટોચના અધિકારીઓ અને વૉર કૅબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં યુદ્ધની તૈયારીની સમીક્ષા કરવા ઉપરાંત અમુક મુશ્કેલ નિર્ણયો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આગામી થોડા જ દિવસમાં ઈઝરાયલની સેનાને ગાઝાપટ્ટી પર જમીન માર્ગે હુમલો કરવાની પરવાનગી મળે એવી શકયતા છે. હાલ ઈઝરાયલે ગાઝાપટ્ટીના સરહદી વિસ્તારમાં ત્રણ લાખ કરતા પણ વધુ સૈનિકોને ગોઠવી દીધા છે અને તેમને આગામી આદેશની રાહ જોવા જણાવ્યું છે. છેલ્લાં થોડા દિવસ દરમિયાન હમાસના અનેક આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનો ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે. ઠાર મરાયેલા આતંકવાદીઓમાં હમાસના સશસ્ત્ર જૂથના નાયબ વડા મુહમ્મદ કાતામાશનો પણ સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button