
નવી દિલ્હી: ઈઝરાયેલ ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે, જેમાં બાળકો સહિત હજારો નિર્દોષ પેલેસ્ટીનીયન નાગરીકોના મોત થયા છે. ઈઝરાયેલના આ પગલાની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં પણ ઇઝરાયેલને તાત્કાલિક હુમલા રોકવા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં ઇઝરાયલ ગાઝા પર સતત હુમલાઓ કરી નરસંહાર કરી રહ્યું છે. જેની પ્રતિક્રિયામાં મંગળવારે સાંજે દિલ્હી સ્થિત ઇઝરાયલી દુતાવાસ પાસે એક વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં ઇઝરાયેલનું દૂતાવાસ ચાણક્યપુરી વિસ્તારમાં સ્થિત છે. મંગળવારે સાંજે લગભગ 5.48 વાગ્યે ઇઝરાયેલ એમ્બેસીની પાછળના ખાલી પ્લોટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આસપાસના ઘણા લોકોએ આ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. એક અજાણ્યા વ્યક્તિએ દિલ્હી ફાયર સર્વિસ વિભાગને ફોન કરીને વિસ્ફોટની જાણકારી આપી હતી. આ મામલો ઈઝરાયલ એમ્બેસી સાથે સંબંધિત હોવાથી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની એક ટીમ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
વિસ્ફોટ બાદ ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં પોતાના નાગરિકોને ચેતવણી જાહેર કરી છે. ઈઝરાયેલે આ હુમલાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઈઝરાયેલે યહૂદીઓ અને ઈઝરાયેલના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે અને સંભવિત ખતરાથી બચવા ચેતવણી આપી છે. લોકોને રેસ્ટોરન્ટ, હોટલ, પબ અને અન્ય જાહેર સ્થળોએ સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે.
પ્રારંભિક તપાસમાં, બ્લાસ્ટ માટે કયું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું એ સ્પષ્ટ થયું નથી, તેમજ બ્લાસ્ટ વિશે ફાયર વિભાગને ફોન કરીને જાણ કરનાર વ્યક્તિ વિશે પણ જાણી શકાયું નથી. સ્પેશિયલ સેલની ટીમને બ્લાસ્ટ સ્થળથી થોડે દૂર એક પાનાનો પત્ર મળ્યો હતો. આ પત્ર ઈઝરાયેલના રાજદૂતને સંબોધીને લખવામાં આવ્યો છે.
આ પત્રમાં માત્ર ઈઝરાયલ વિરુદ્ધ રોષ ઠાલવવામાં આવ્યો છે, સાથે સાથે બદલો લેવાની વાત પણ કરવામાં આવી છે. આ પત્ર ટાઈપ કરવામાં આવ્યો છે. પત્રમાં ગાઝામાં ઈઝરાયેલની ચાલી રહેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્ર મળ્યા બાદ પોલીસ હવે અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે.
દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓહદ નકાશ કૈનારે કહ્યું કે તેમના તમામ રાજદ્વારીઓ અને સ્ટાફ સુરક્ષિત છે. તેમની સુરક્ષા ટીમ દિલ્હી પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. સ્થળ પરથી મળેલા પત્રને ફિંગર પ્રિન્ટ ટેસ્ટ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. આ પત્ર અંગ્રેજીમાં લખવામાં આવ્યો છે, તે કોઈ સંગઠન સાથે સંબંધિત હોવાની શંકા છે. પોલીસને વિસ્ફોટના કોઈ અવશેષો મળ્યા નથી. તેથી કેમિકલ બ્લાસ્ટની શક્યતા નકારી શકાય તેમ નથી.
ભારત સહિત અનેક દેશોમાં ઈઝરાયેલની દૂતાવાસોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસીની સાથે ઈઝરાયેલના રાજદૂતની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.