હિઝબુલ્લા ચીફનું ભાષણ પૂરું થતાં જ ઈઝરાયેલે કરી બોમ્બબારી: IDFએ કહ્યું આતંકવાદનો ખાત્મો કરવાં

નવી દિલ્હીઃ ઇઝરાયેલે છેલ્લા બે દિવસમાં લેબનોન પર બે મોટા હુમલા કર્યા છે. પહેલા મંગળવારે 17 તારીખે પેજર બ્લાસ્ટ થયો હતો અને બીજા દિવસે 18 સપ્ટેમ્બરે બુધવારે વોકી-ટોકી, સોલર પેનલ, ફિંગરપ્રિન્ટ ડિવાઇસ અને રેડિયોમાં બ્લાસ્ટ થયા હતા, જેમાં ઘણા લોકોના મોત થયાં હોવાના અહેવાલ છે. હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ ગુરુવારે પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ અંગે ભાષણ આપી રહ્યા હતા. હિઝબુલ્લા ચીફનું ભાષણ પૂરું થતાં જ ઇઝરાયેલે લેબેનોન પર ફરીથી હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું ઇઝરાયલી હવાઈ હુમલાઓએ એક સાથે દક્ષિણ લેબનોનમાં અનેક વસાહતોને નિશાન બનાવી હતી.
IDF એ કરેલી X પોસ્ટમાં કહ્યું હતું કે “અમે હાલ તેની આતંકવાદી ક્ષમતાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે લેબનોનમાં હિઝબોલ્લાના લક્ષ્યો પર હુમલાઓ કરી રહ્યા છીએ,” દાયકાઓથી, હિઝબુલ્લાએ નાગરિક મકાનોને લક્ષ્ય બનાવીને તેમની નીચે સુરંગો ખોદી છે. જેથી દક્ષિણી લેબનોનને એક યુદ્ધ ક્ષેત્રમાં ફેરવી દીધું છે.
હિઝબુલ્લાના નેતા સૈયદ હસન નસરાલ્લાહ ગુરુવારે બ્લાસ્ટો બાદ ભાષણ આપી રહ્યા હતા. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, જ્યારે નસરાલ્લા ભાષણ આપી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના ફાઈટર પ્લેનના અવાજથી બેરુતની ઈમારતો ધ્રૂજી ગઈ હતી.
ઇઝરાયેલે પેજર અને વોકી-ટોકી હુમલામાં તેની સંડોવણી અંગે હાલ મૌન જાળવી રાખ્યું છે. તેણે ન તો કોઈ જવાબદારીની પુષ્ટિ કરી કે ન તો નકારી કાઢી. જો કે, ઘણા સુરક્ષા સૂત્રોએ સંકેત આપ્યો છે કે આ ઓપરેશન દેશની ગુપ્તચર સંસ્થા મોસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ, બુધવારે થયેલા હુમલા બાદ લેબનીઝ સત્તાવાળાઓએ બેરૂત એરપોર્ટ પરથી ફ્લાઈટમાં વોકી-ટોકી અને પેજર પર પ્રતિબંધ મૂક્યો છે.