
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઈઝરાયલી લશ્કરે ઈરાનની ન્યુક્લિયર સુવિધાઓ પર હુમલો કર્યાનાં અહેવાલો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની વ્યાપક લેવાલી નીકળતાં હાજર અને વાયદાના ભાવમાં 1.2 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો અને હાજર ભાવ આૈંસદીઠ 3400 ડૉલરની સપાટી કુદાવીને બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ચાંદીના ભાવ વધ્યા મથાળેથી 0.3 ટકા જેટલા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો પણ વધી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1708થી 1715નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના વેરારહિત ધોરણે ભાવ રૂ. 99,000ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 742 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વિશ્વ બજારનાં પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો 47 પૈસા તૂટ્યો હોવાથી આયાત પડતરો વધવાથી વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1708ની તેજી સાથે રૂ. 98,773ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1715ના ઉછાળા સાથે રૂ. 99,000ની સપાટી પાર કરીને રૂ. 99,170ના મથાળે રહ્યા હતા.
જોકે, તેજીના માહોલમાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ સુસ્ત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં ખાસ કરીને વૈશ્વિક ભાવ આૈંસદીઠ 36 ડૉલરની ઉપર જળવાઈ રહ્યા હોવાથી મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 742 વધીને રૂ.
1,06,240ના મથાળે રહ્યા હતા.
ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હોવાના નિર્દેશો અને અમેરિકી લશ્કર નાગરિકોને મધ્ય પૂર્વમાંથી નીકાળવાની યોજના ધરાવી રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતાં સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક લેવાલી નીકળતા હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને 22 એપ્રિલ પછીની ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 1.2 ટકા વધીને આૈંસદીઠ 3423.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 3.4 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. વધુમાં આજે સોનાના વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે 1.2 ટકા વધીને આૈંસદીઠ 3444.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 36.25 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં સોનાએ ઈઝરાયલનાં ઈરાન પર થયેલા હુમલાને ધ્યાનમાં લેતા આૈંસદીઠ 3400 ડૉલરની પ્રતિકારક સપાટી કુદાવી છે અને જો આ ભૂરાજકીય તણાવ જળવાયેલો રહે અથવા તેમાં વધારો થાય તો તેજી હજુ આગળ ધપી શકે છે. તેમ જ ઈઝરાયલ-ઈરાન વચ્ચે વિવાદ વધે અને યુદ્ધ અથવા તો રાજકીય કારણોસર ક્રૂડતેલના પુરવઠામાં વિક્ષેપ પડે તો સોનામાં તેજી વધુ આગળ ધપી શકે છે, એમ વિશ્લેષક ટીમ વૉટરરે જણાવ્યું હતું.
આ પણ વાંચો - એર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ક્રેશ થતાં બોઇંગ કંપનીના શેરના ભાવમાં મોટો ઘટાડો
દરમિયાન ગઈકાલે અમેરિકી શ્રમ વિભાગે જાહેર કરેલા ફુગાવામાં થોડો વધારો થયો હોવાનું જણાવ્યું હતું. જોકે, આ ડેટાની જાહેરાત પશ્ચાત્ ટ્રેડરોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત આસપાસ અર્થાત્ સપ્ટેમ્બર મહિનાથી રેટ કટની શરૂઆત કરશે તેમ જ વર્ષ 2025માં પંચાવન બેસિસ પૉઈન્ટના રેટકટની ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.