નેશનલ

ઈઝરાયલ અને હમાસ વધુ બે દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા સંમત

તેલ એવીવ, તા.૨૮ : ઈઝરાયલ અને હમાસ સોમવાર પછી પણ યુદ્ધવિરામ વધુ બે દિવસ માટે લંબાવવા સંમત થયા છે. આને પગલે આતંકવાદીઓના કબજામાં રહેલા બાન અને ઈઝરાયલની જેલમાં રહેલા પેલેસ્ટાઈન કેદીઓ વચ્ચે વધુ આદાનપ્રદાનની તેમ જ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના સૌથી કાતિલ અને વિનાશક યુદ્ધના લાંબા વિરામની સંભાવના ઉજ્જવળ બની છે.
હમાસે મુક્ત કરેલા ઈઝરાયલના ૧૧ મહિલા અને બાળકો સોમવારે રાત્રે ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા. શુક્રવારે ચાર દિવસની યુદ્ધવિરામની શરૂઆત થઈ હતી. હમાસ અને ઈઝરાયલ વચ્ચે બાન અને કેદીનું ચોથું આદાનપ્રદાન થયું હતું. ઈઝરાયલે મુક્ત કરેલા ૩૩ પેલેસ્ટાઈનીઓ મંગળવારે સવારે વેસ્ટ બૅન્કના રામલ્લામાં આવી પહોંચ્યા હતા. કેદીઓની બસ ગલીઓમાં પહોંચતા તેમનું હર્ષનાદો કરીને સ્વાગત કરાયું હતું.

કતારે વધુ બે દિવસના યુદ્ધવિરામના કરારની જાહેરાત કરતાં યુદ્ધ વધુ સમય માટે અટકી જાય એવી આશા ઉદ્ભવી છે અને ગાઝામાં વધુ રાહત મોકલવાનું શક્ય બન્યું છે. ઈઝરાયલના બોમ્બમારા અને જમીની લડાઈને લીધેે ૨૩ લાખ પેલેસ્ટાઈનીઓની હાલત કફોડી બની હતી. કુલ વસતીના પોણા ભાગના લોકો બેઘર બન્યા છે.
ઈઝરાયલે કહ્યું હતું કે જો વધારાના દસ બાનને મુક્ત કરવામાં આવે એ શરતે અમે યુદ્ધવિરામ એક દિવસ લંબાવવા માટે તૈયાર છીએ. હમાસ અને ઈઝરાયલ વચ્ચે અમેરિકા અને ઈજિપ્ત સાથે મુખ્ય મધ્યસ્થી કરનાર કતારની જાહેરાત બાદ હમાસે પણ જૂની શરતોને આધારે યુદ્ધવિરામ બે દિવસ લંબાવવાની વાતને અનુમોદન આપ્યું હતું.
જોકે ઈઝરાયલે કહ્યું હતું કે હમાસના સાત ઓક્ટોબરના દક્ષિણઈઝરાયલ પરના હુમલા બાદ અમે હમાસની લશ્કરી ક્ષમતાને ખતમ કરવા અને એના ૧૬ વર્ષના શાસનનો અંત આણવા પ્રતિબદ્ધ છીએ. આનો અર્થ એ થયો કે ઈઝરાયલ તેનું આક્રમણ ઉત્તર ગાઝાથી દક્ષિણમાં લઈ જવા માગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button