ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ માટે સહમત
તેલ અવીવ (ઈઝરાયલ): ઈઝરાયલ અને હમાસ ડઝનબંધ બંધકોને મુક્ત કરવાના બદલામાં ચાર દિવસના યુદ્ધ વિરામ માટે સહમત થયાં છે.
આ સહમતીનો કરાર કતાર, યુએસ અને ઈજીપ્ત દ્વારા મધ્યસ્થીથી કરવામાં આવ્યો હતો.
કતારે બુધવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ દ્વારા રાખવામાં આવેલા દોઢસો પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં હમાસ પચાસ ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે. બંને પક્ષો દ્વારા મુક્ત કરાયેલા લોકોમાં મહિલાઓ અને સગીરો હશે.
ચાર દિવસના યુદ્ધવિરામ દરમિયાન બંધકોને છૂટા કરવામાં આવશે. એકવાર પ્રથમ બેચ મુક્ત થઈ જાય પછી ઇઝરાયલ પેલેસ્ટિનિયન કેદીઓના પ્રથમ જૂથને મુક્ત કરે તેવી અપેક્ષા છે.
ઇઝરાયલના ન્યાય મંત્રાલય દ્વારા પ્રકાશિત પાત્ર કેદીઓની યાદી અનુસાર, જેઓને મુક્ત કરવાના છે તેમાં ૨૦૨૨ અથવા ૨૦૨૩માં પશ્ર્ચિમ કાંઠે હિંસા દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા ઘણા કિશોરવયના છોકરાઓનો સમાવેશ થાય છે.
ઇઝરાયલ પાસે હાલમાં લગભગ ૭,૦૦૦ પેલેસ્ટિનિયન અપરાધી છે.
ઇઝરાયલે કહ્યું કે મુક્ત કરાયેલા દરેક દસ વધારાના બંધકો માટે યુદ્ધવિરામ એક દિવસ લંબાવવામાં આવશે.
કતારે કહ્યું કે ઇઝરાયલ ગાઝામાં વધુ ઇંધણ અને માનવતાવાદી સહાયની પણ મંજૂરી આપશે, પરંતુ ઇઝરાયલે એવી કોઇ વિગતો આપી નથી.