બાંગ્લાદેશમાં હિંદુઓને જાનનો ખતરો, ઇસ્કોને આપી આવી સલાહ
ઢાકાઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના અસ્ત અને મોહમ્મ્દ યુનુસ સરકારના આરંભ બાદ હિંદુઓની સ્થિતિ બદથી બદતર થવા માંડી છે. તેમની જાન, માલમત્તા કશું જ સુરક્ષિત નથી. દેવી-દેવતાઓની મૂર્તિઓ અને મંદિરોની ચોરી, તોડફોડ અને અપવિત્ર કરવાના ઘણા બનાવ બનવા માંડ્યા છે. જાણીતા ઇસ્કોન મંદિરના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની 25 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી ત્યારથી બાંગ્લાદેશમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઇ છે. ચટગાંવમાં બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવા બદલ તેમના પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે.
હવે પડોશી દેશમાં કટ્ટરપંથીઓથી બચવા માટે ઇસ્કોન મંદિર કોલકાતાએ બાંગ્લાદેશમાં તેના સહયોગીઓ અને અનુયાયીઓને ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળવા, માથા પરનું તિલક ભૂંસી નાખવા અને માથુ ઢાંકવાની સલાહ આપી છે, જેથી કટ્ટરપંથીઓના હુમલાથી બચી શકાય.
Also read: બાંગ્લાદેશમાં ISKON પર પ્રતિબંધની માંગ: ઈસ્લામિક સંગઠને લગાવ્યા કત્લના નારા…
ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું હતું કે બાંગ્લાદેશના લોકોએ મંદિરો અને ઘરોની અંદર તેમના ધર્મનું પાલન કરવું જોઈએ, પરંતુ બહાર જતી વખતે સાવચેત રહેવું જોઈએ. તેમણે કહ્યું કે હું તમામ સાધુઓ અને સભ્યોને સલાહ આપી રહ્યો છું કે સંકટના આ સમયમાં પોતાની સુરક્ષા માટે દરેક શક્ય પ્રયાસો કરે, જાહેરમાં નીકળે ત્યારે ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળે, માથા પરનું તિલક ભૂંસી નાંખે અને માથુ ઢાંકે.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં પોલીસે રવિવારે ઇસ્કોનના 54 સભ્યો પાસે માન્ય પ્રવાસ દસ્તાવેજો હોવા છતાં ભારત આવતા અટકાવ્યા હતા. બાંગ્લાદેશ પોલીસે ‘શંકાસ્પદ મુસાફરી’નું કારણ આપીને ભારત આવતા અટકાવ્યા હતા. બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ અને ઈસ્કોન સાધુઓ સામે હિંસાની ઘટનાઓ વધી રહી છે.
Also read: ભગવાન જગન્નાથે બચાવ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ: ઇસ્કોન
તાજેતરમાં બાંગ્લાદેશમાં એક કાયદાકીય કેસમાં આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરનારા એડવોકેટ રમણ રોય પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રોય ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓ હાલ આઈસીયુમાં છે.