અલિગઢમાંથી આઈએસઆઈએસનો આતંકવાદી પકડાયો
લખનઊ : ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) સાથે સંકળાયેલો શકમંદ આતંકવાદી બુધવારે ઉત્તર પ્રદેશના અલિગઢમાંથી પકડાયો હતો એવી માહિતી રાજ્યના એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ આપી હતી. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ફઝીયન બખ્તિયારને એટીએસ શોધતું હતું. અને તેની ધરપકડ સુધી દોરી જનારને ૨૫,૦૦૦નું ઈનામ અપાશે એવી જાહેરાત કરાઈ હતી. તે આઈએસઆઈએસના અલિગઢ મોડ્યુલનો સભ્ય હતો અને તેણે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના માસ્ટર ઑફ સોશિયલ વર્ક કોર્સમાં પ્રવેશ લીધો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જાતે કટ્ટરપંથી બનનાર બે શકમંદ આતંકવાદી અબ્દુલ્લા અર્સાલન અને માઝ બિન તારીકની ગયા વર્ષે નવેમ્બરમાં આઈએસઆઈએસ સાથે કડી હોવાથી ધરપકડ કરાઈ ત્યાર બાદ બખ્તિયારનું નામ પ્રકાશમાં આવ્યું હતું. એટીએસએ તેમની પાસેથી પ્રતિબંધિત સાહિત્ય જપ્ત કર્યું હતું.
એટીએસને એવી બાતમી મળી હતી કે આઈએસઆઈએસથી પ્રભાવિત થઈને અમુક કટ્ટરવાદી લોકો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને આતંકવાદી સંસ્થાના હેન્ડલરની સૂચનાથી જિહાદી જુથ રચી રહ્યા છે. (એજન્સી)