Isarael Iran War: ઈરાનના રાજદૂતે ભારતના હસ્તક્ષેપની માંગ કરી, કહ્યું ભારત જ તણાવને ઘટાડી શકશે…

નવી દિલ્હી : ઈરાને ઈઝરાયેલ (Isarael Iran War) પર 200 મિસાઈલોથી હુમલો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં માત્ર ભારે તણાવ જ નથી પરંતુ મોટા પાયે યુદ્ધનો ભય પણ મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ પ્રદેશમાં સ્થિરતા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતના હસ્તક્ષેપની માંગ કરી છે. ઈરાની રાજદૂતે કહ્યું, ભારતે આ તકનો લાભ ઉઠાવીને ઈઝરાયલને તેની આક્રમકતા રોકવા અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે રાજી કરવું જોઈએ. ઈરાનના રાજદૂતે કહ્યું કે માત્ર ભારત જ તેમના દેશ અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને ઘટાડી શકે છે.
આ પણ વાંચો : નિજ્જરની હત્યા સિવાય કેનેડા આ બાબતે પણ ભારત સામે તાપસ કરી રહ્યું છે
દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં
ભારત બંને દેશો સાથે ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. આ કારણે જ ઈરાની રાજદ્વારીએ ભારત સરકારને પશ્ચિમ એશિયા સંકટમાં સામેલ તમામ પક્ષો સાથે તણાવ ઘટાડવા અને મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલવા વિનંતી કરી રહ્યા છે. ઈઝરાયેલની સેનાએ તેના ઉત્તરી પાડોશી લેબનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓ સામે સંઘર્ષમાં નવો મોરચો ખોલ્યા બાદ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.
અમારી પાસે બદલો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ઈરાની રાજદૂતે એમ પણ કહ્યું કે ઈઝરાયેલ રોકશે તો જ અમે પણ રોકાઈશું. તેમણે ઉમેર્યું, ઈરાન યુદ્ધ નથી ઈચ્છતું. અમે આ ક્ષેત્રમાં શાંતિ ઈચ્છીએ છીએ. પરંતુ જો અમારી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો હશે તો અમારી પાસે બદલો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી અને અમે તે જ કર્યું છે.