શું આ વર્ષે પણ સર્જાશે ઘઉંની અછત ? આ કારણો જવાબદાર હોઇ શકે..

દેશના મોટાભાગના રાજ્યોમાં ઘઉંનું વાવેતર થઇ રહ્યું છે. છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો ભારતમાં કુલ ઘઉંના ઉત્પાદન પર હવામાનની માઠી અસર જોવા મળી રહી છે, અવારનવાર કમોસમી વરસાદને કારણે જોઇએ એવું ઘઉંનું ઉત્પાદન દેશમાં હાલ જોવા નથી મળી રહ્યું. આ વર્ષે ફેબ્રુઆરી બાદ અલ નીનોની અસર વધી છે. જે ભારત માટે એક ચિંતાનો વિષય છે તેમ કહી શકાય.
વર્ષ 2023ના માર્ચ મહિનાથી જ જૂન-જુલાઇ જેવી ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો. ઓચિંતા તાપમાનમાં વધારો થવાને પગલે ઘઉંનો પાક સમય કરતા પહેલા જ લણણીલાયક થઇ ગયો. વર્ષ 2022માં ઘઉંના વાવેતરને કમોસમી વરસાદ નડ્યો. સતત 2 વર્ષથી વિપરિત પરિસ્થિતિને કારણે ઘઉંના પાકને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. ઘઉંના દાણા સહિત સમગ્ર ઉપજ પ્રભાવિત થઇ.
કેન્દ્ર સરકાર મુજબ નવેમ્બર મહિનામાં ઘઉંનો બફર સ્ટોક 210 લાખ મેટ્રિક ટન છે. સ્ટોક જેમ જેમ ઘટી રહ્યો છે તેમ તેમ ઘઉંના ભાવ ઉંચકાઇ રહ્યા છે. સરકાર કિંમતો પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર તરફથી ઘઉંને ઓપન માર્કેટ સેલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. પણ ઓપન માર્કેટમાં પણ બફર સ્ટોકમાંથી ઘઉં લવાશે, આથી બફર સ્ટોક ઓછો થઇ જશે.
અનેક રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરામાં લોકોને મફતમાં ઘઉં અને ચોખા વહેચવાની જાહેરાત કરી છે. આના કારણે પણ બફર સ્ટોક ઓછો થશે. જો દેશમાં ઘઉંની અછત ઉભી થાય તો ઘઉંની આયાત કરવાની જરૂર પડશે. સરકારે પહેલા ઘઉં, લોટ અને ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો હતો, તેનો સીધો અર્થ એવો થાય છે કે સરકાર ચૂંટણીને અનુલક્ષીને ભાવવધારાને અંકુશમાં લેવા માટે આ નિર્ણય કર્યો હતો તેમજ અનાજનું સંકટ તોળાઇ રહ્યું હોય તેવું પણ બની શકે.
વર્ષ 2016માં પણ આ જ સમસ્યા જોવા મળી હતી, ભારતે રશિયા-યુક્રેન તથા ઓસ્ટ્રેલિયાથી ઘઉંની આયાત કરવાની જરૂર પડી હતી. 5.75 મિલિયન ટન ઘઉંની આયાત થઇ હતી. તે સમયે ઇમ્પોર્ટ ડ્યૂટી 25 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવાઇ હતી. હાલ ઇમ્પોર્ટ ડ્યૂટી 40 ટકા છે. આગામી વર્ષમાં જો હવામાન વ્યવસ્થિત રહે તો કદાચ આ સંકટમાં ઉગરી જવાશે.