શું કૉંગ્રેસનો ભાજપ વૉશિંગ મશિન હોવાનો દાવો સાચો? ભ્રષ્ટાચારના આરોપવાળા આટલા નેતાઓ ભાજપમાં જોડાયા
નવી દિલ્હી: વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપ(BJP)ની આગેવાની હેઠળનું NDA ગઠબંધન સત્તામાં આવ્યા બાદ દેશના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનિકથી માંડીને રાષ્ટ્રીય કક્ષાના સંખ્યાબંધ વિપક્ષી નેતાઓ ભાજપમાં જોડાયા છે. એવામાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, કથિત ભ્રષ્ટાચાર કેસમાં કેન્દ્રીય એજન્સીઓની તપાસનો સામનો કરી રહેલા 25 જેટલા અગ્રણી રાજકારણીઓ 2014 બાદ ભાજપમાં જોડાયા છે, જેમાં 10 કોંગ્રેસ, એનસીપી અને શિવસેનામાંથી ચાર-ચાર. TMCના ત્રણ, TDPના બે; અને SP અને YSRCPના એક-એક નેતાનો સમાવેશ થાય છે.
એક અખબારી અહેવાલ મુજબ ભાજપમાં જોડાયેલા આ 25 અગ્રણી રાજકારણીઓમાંથી 23ને સંબંધિત કેસમાં રાહત મળી છે. ત્રણ કેસ બંધ કરી દેવામાં આવ્યા છે, 20 અન્ય કેસોમાં કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે. આ યાદીમાંના છ રાજકારણીઓ આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.
હાલમાં અરવિંદ કજરીવાલ સહીત અન્ય ઘણાં વિપક્ષના નેતાઓ પર ભ્રષ્ટાચાર કેસમાં વિવિધ એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે, જયારે ભાજપ અને સાથી પક્ષોના નેતાઓ પણ કાર્યવાહીના જુજ બનાવો બને છે. વર્ષ 2022ના એક અહેવાલ મુજબ 2014 માં NDA સત્તામાં આવ્યા બાદ દેશના જે અગ્રણી રાજકારણીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમાંથી 95 ટકા નેતા વિપક્ષના હતા.
વિપક્ષ આને ભાજપનનું “વોશિંગ મશીન” કહી રહી છે, જેમાં જે વિપક્ષી રાજકારણીઓ પર ભ્રષ્ટાચારના આરોપો હોય તે પક્ષ છોડીને ભાજપમાં જોડાય તો બધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે અથવા કેસ પાછો ખેંચવામાં આવે છે.
ખાસ કરીને મહારાષ્ટ્રમાં વર્ષ 2022 અને 2023 રાજકીય ઉથલપાથલ ભર્યા રહ્યા હતા. વર્ષ 2022 માં, એકનાથ શિંદે જૂથ શિવસેનાથી અલગ થઈ ગયો અને ભાજપ સાથે નવી સરકાર બનાવી. એક વર્ષ પછી, અજિત પવાર જૂથ એનસીપીથી અલગ થઈ ગયું અને શાસક એનડીએ ગઠબંધનમાં જોડાઈ ગયું.
ત્યાર બાદ એનસીપી જૂથના બે ટોચના નેતાઓ, અજિત પવાર અને પ્રફુલ પટેલ સામેના કેસો બંધ કરવામાં આવ્યા હતા. 25 અગ્રણી રાજકારણીઓનો આ યાદીમાં મહારાષ્ટ્રના જ 12 રાજકારણીઓ છે, જેમાંથી અગિયાર 2022 કે પછી ભાજપમાં જોડાયા હતા, આમાં NCP, શિવસેના અને કોંગ્રેસના દરેક નેતાનો સમાવેશ થાય છે.
કેટલાક એવા કિસ્સાઓ પણ છે જેમાં કેસ ચાલુ રહે છે માત્ર નામ પુરતો જ, તપાસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થતી નથી. દાખલા તરીકે, CBI 2019 એ નારદા સ્ટિંગ ઓપરેશન કેસમાં પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી સામે ગુનો નોંધાયો હતો, તેઓ સાંસદ હતા તેથી કાર્યવાહી કરવા માટે CBI લોકસભા સ્પીકરની મંજૂરીની રાહ જોઈ રહી છે, એવામાં સુવેન્દુ અધિકારી 2020માં ભાજપમાં જોડાઈ ગયા અને કેસની તપાસ અટકી ગઈ.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ સામેના કેસ પણ થંભી ગયા છે. શારદા ચિટ ફંડ કૌભાંડ અંગે વર્ષ 2014માં હિમંતા બિસ્વાની CBIએ પૂછપરછ કરી હતી, વર્ષ 2015માં તેઓ ભાજપમાં જોડાયા ત્યાર બાદથી તેમની સામેનો કેસ આગળ વધ્યો નથી. આદર્શ હાઉસિંગ કેસમાં CBI અને EDની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યા બાદ ચવ્હાણ આ વર્ષે ભાજપમાં જોડાયા હતા.
જ્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ જ્યોતિ મિર્ધા અને ભૂતપૂર્વ ટીડીપી સાંસદ વાયએસ ચૌધરીને ભાજપમાં જોડાયા પછી પણ ED દ્વારા છૂટછાટ મળી નથી.
જો કે, CBIના એક અધિકારીએ કહ્યું કે એજન્સીની તમામ તપાસ પુરાવા પર આધારિત છે. જ્યારે પુરાવા મળે છે, ત્યારે યોગ્ય પગલાં લેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, વિવિધ કારણોસર કાર્યવાહીમાં વિલંબ થાય છે. પરંતુ તપાસ ચાલુ રહે છે.