ભારતમાં શું ખરેખર એરલાઈન્સ સેવા ખરાબ થઈ રહી છે
નવી દિલ્હી: હવાઈ મુસાફરી ખાસ તો એટલા માટે કરવામાં આવે છે જેથી સમય બચી શકે પરંતુ ભારતીય એરલાઈન્સ કંપનીઓ હાલમાં સવાલોના ઘેરામાં છે. કારણકે ફ્લાઈટો એટલી મોડી ઉપડે છે કે ફ્લાઈટ કરતા વ્યક્તિ કોઈ બીજી રીતે ઝડપથી પહોંચી જાય. હાલમાં જ ઈન્ડિગો એરલાઈન્સના પાઈલટને એક મુસાફર દ્વારા થપ્પડ મારવામાં આવી હતી કારણ કે ધુમ્મસને કારણે ફ્લાઈટ 13 કલાક સુધી રનવે પર ફસાઈ ગઈ હતી. જો કે ભારતમાં એરલાઈન્સ સેવા દિન પ્રતિદીન ખરાબ થઈ રહી છે. દર વર્ષે 8 હજારથી પણ વધારે ફ્લાઈટ્સ રદ થાય છે. આ ઘટના બાદ એરલાઈન્સની વ્યવસ્થા પર ઘણા સવાલો ઉભા થયા છે.
ભારતમાં ફ્લાઈટ્સમાં વિલંબ કે ફ્લાઈટ રદ થવી, વિમાનોની ભીડ, ભાડામાં ભારે વધારો અને મુસાફરોના સામાનની સમસ્યા સાવ સામાન્ય બની ગઈ છે. ત્યારે આપણને એ પ્રશ્ર્ન થાય એ સ્વાભાવિક છે કે દેશમાં એરલાઇન્સની શું હાલત છે, મુસાફરો શા માટે આટલી હાલાકી ભોગવવી પડે છે અને કયા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. ભારતમાં ફ્લાઇટ દ્વારા મુસાફરી કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 2023માં ભારતમાં 15.2 કરોડથી વધુ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. નવેમ્બરમાં 9%નો વધારો થયો હતો અને મહિનામાં 1.27 કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. 2023-24માં 371 મિલિયન મુસાફરો અને 2024-25માં 412 મિલિયન મુસાફરો ઉડાન ભરે તેવી શક્યતાઓને નકારી શકાય નહિ. જોકે ઘણા મુસાફરો એરલાઇન કંપનીઓની સેવાથી સંતુષ્ટ નથી. મુસાફરો વધારે પડતા ભાડાં, ફ્લાઇટ કેન્સલેશન, વિલંબ, ખોવાયેલો અને ક્ષતિગ્રસ્ત સામાન, ફ્લાઇટમાં મોંઘા ખોરાક અને સ્ટાફના ખરાબ વર્તન અંગે ફરિયાદ કરી રહ્યા છે.
મુસાફરો અત્યારે સોશિયલ મીડિયા પર એરલાઇન કંપનીઓ સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. વિવાદ એટલો વધી ગયો છે કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને શાંતિની અપીલ કરવી પડી. અને એરલાઇન કંપનીઓ માટે એક સૂચના જારી કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે જો ફ્લાઇટ ત્રણ કલાકથી વધુ મોડી થવાની સંભાવના હોય તો કંપનીઓ તે ફ્લાઇટ્સ અગાઉથી રદ કરી શકે છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ મળતી માહિતી અનુસાર ફ્લાઈટ રદ્ થવાને કારણે આ 2023માં એરલાયન્સ કંપનીઓ દ્વારા મુસાફરોને 31.83 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. પ્લેનમાં વિલંબ અને કેન્સલ થવા પાછળ ઘણાં કારણો આપવામાં આવે છે. જેમ કે ખરાબ હવામાન, ટેકનિકલ ખામીઓ, પાઇલોટ્સની અછત અને ક્યારેક એરલાઇન્સ દ્વારા ઓવરબુકિંગ પરંતુ શું આ તમામ કારણો દરેક વખતે યોગ્ય હોય છે. એરલાઇન્સ કંપનીઓ શરૂઆતમાં સારી સુવિધા આપે છે અને પછી સુવિધામાં ઘટાડો કરી દે છે આવી પણ ફરિયાદો મળતી હોય છે.