આયર્લેન્ડના ડબલિનમાં બે ભારતીયો પર હુમલો, ભારતીયોને દૂતાવાસે શું આપી ચેતવણી ?

લંડન: આર્યલેન્ડના ડબલિનમાં ભારતીયો પર સતત વધી રહેલા હુમલા બાદ ભારતીય દુતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય દુતાવાસે આર્યલેન્ડમાં ભારતીય નાગરિકોને પોતાની સુરક્ષા રાખવા અને સુમસામ વિસ્તારમાં એકલા પ્રવાસ કરવાનું ટાળવાનું જણાવ્યું છે. ડબલિનમાં હાલમાં જ ભારતીયો પર વધુ બે હુમલા થયા છે. તેમજ દુતાવાસ આર્યલેન્ડ સાથે અધિકારીઓના સંપર્કમાં છે.
ભારતીય વૈજ્ઞાનિકને ઢોર માર મારવામાં આવ્યો
ભારતીયો પર ડબલીનમાં થયેલા હુમલાની વિગત મુજબ 28 જુલાઈના રોજ એક સિનીયર ડેટા વૈજ્ઞાનિક ડો. સંતોષ યાદવ
પર છ લોકોએ પાછળથી હુમલો કર્યો હતો. જયારે તે ભોજન કર્યા બાદ પોતાના નિવાસે પરત કરી રહ્યા હતા. હુમલાખોરોએ તેમના ચશ્માં છીનવી લીધા હતા અને તેની બાદ ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના લીધે તે લોહીલુહાણ થયા હતા અને ફૂટપાથ પર પટકાયા હતા.
ટ્રામ સ્ટેશન પર ભારતીય પર હુમલો
જયારે અન્ય એક ઘટનામાં 24 જુલાઈના રોજ સ્થાનિક સમય મુજબ રાત્રે 10.30 વાગ્યે ટ્રામ સ્ટેશન પર હુમલાખોરોએ 20 વર્ષના એક ભારતીય પર હુમલો કર્યો હતો. તેમને ધક્કો મારવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો હતો. ચહેરા પર તીક્ષ્ણ વસ્તુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેની બાદ ભારતીયને ગંભીર ઈજાઓ સાથે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા.

ચહેરા પર છરીના ઘા ઝીંક્યા હતા
આ ઉપરાંત ડબલિનના 19 જુલાઈના રોજ તલાઘટમાં એક ભારતીય પર હુમલો થયો હતો. આ વ્યકિત મંદિરે જઈ રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તેના કપડા કાઢીને માર માર્યો હતો. હુમલાખોરો તેના ચહેરા પર છરીના ઘા ઝીંક્યા હતા.
ભારતીયો પરિવારોમાં ડર
આ દરમિયાન ભારતીયો પર સતત વધી રહેલા હુમલા અંગે પોલીસે તપાસ શરુ કરી છે. તેમજ આ હુમલામાં સામેલ લોકોને પકડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જયારે ડબલિનમાં લાંબા સમયથી વસવાટ કરનારા આઈટી પ્રોફેશનલે મીડિયાને જણાવ્યું છે કે, આ ત્રણ હુમલામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ભારતીયો પરિવાર સાથે ડરના માહોલમાં જીવી રહ્યા છે.
આપણ વાંચો: યુએસના વિઝા માટે $15,000 નો બોન્ડ પોસ્ટ કરવો ફરજીયાત બનશે! જાણો આ પાયલોટ પ્રોગ્રામના નિયમો વિષે