નવી દિલ્હીઃ હાલમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ માટેનું ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) નું સર્વર ડાઉન થવાને કારણે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનની ઓનલાઇન રિઝર્વેશનની ટિકિટ બુક કરવાને લઈ પ્રવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ટ્રેનોની રિઝર્વેશનની ટિકિટ બુક કરવામાં પ્રવાસીઓને મુશ્કેલી પડવાને કારણે લોકોએ સોશ્યલ મીડિયા પર રેલવે પ્રશાસનની બેદરકારી મુદ્દે આકરી ટીકા કરી હતી.
આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે હાલમાં IRCTC પર ઈ-ટિકિટનું બુકિંગ બંધ થઈ ગયું છે. ટેકનિકલ કારણોસર IRCTC સર્વર ડાઉન છે, તેથી IRCTC સાઇટ પર ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકતા નથી. જોકે, ટેકનિકલ ખામીઓને દૂર કરવાના પ્રયાસો ચાલુ છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
આ મુદ્દે પ્રવાસીઓએ IRCTCની પણ ઝાટકણી કાઢી હતી. ઘણા યુઝર્સે લોગ ઈન નહિ કરી શકતા હોવાની ફરિયાદ કરી છે. આ સમસ્યા IRCTC સાઈટ અને એપ્લિકેશન એમ બંનેમાં થઈ રહી છે. ઘણા યુઝર્સે એપ સાથે ‘ગેટવે એરર’ વિશે પણ ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, અમુક યુઝર્સને ડાઉનટાઇમનો મેસેજ મળી રહ્યો છે, જ્યારે IRCTCનો ટાઉન ટાઈમ અગિયાર વાગ્યાનો છે. ઘણા લોકોના પેમેન્ટ પણ અટવાયા છે.
તેના ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે, પરંતુ બુકિંગ હિસ્ટ્રી ગાયબ થયાની પણ ફરિયાદ કરી હતી. આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે રેલવે બોર્ડના અધિકારી, ક્રિસ અને irctc ના અધિકારી મળીને યુદ્ધના ધોરણે કામ કરવામાં આવ્યું હતું. દરમિયાન બપોરે 1.55 વાગ્યે સર્વર ફરી અપડેટ કરવામાં આવ્યો હતું, જેથી ઓનલાઇન ટિકિટ બુક કરવાનું શરૂ કરાયુ હોવાનું જણાવ્યું હતું.