IRCTCએ કર્યો બાળકો સાથેની રેલ યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર, હવે આ લાભ નહીં મળે
નવી દિલ્હી: દેશની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલ્વેએ લાંબા અંતરની મુસાફરીની ટિકિટ પર વૈકલ્પિક વીમાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવેથી જો તમે બાળકની ટ્રેનની મુસાફરી દરમિયાન અડધી ટિકિટ (હાફ ટિકિટ) ખરીદશો, તો તેને વૈકલ્પિક વીમાનો લાભ નહીં મળે. IRCTC અનુસાર, હવે મુસાફરો ફૂલ ટિકિટ બુક કરાવ્યા પછી જ વીમા સુવિધાનો લાભ મેળવી શકશે. IRCTCએ વૈકલ્પિક વીમાના પ્રીમિયમમાં પણ વધારો કર્યો છે. 1 એપ્રિલથી પેસેન્જર દીઠ પ્રીમિયમ હવે વધારીને 45 પૈસા કરવામાં આવ્યું છે. પહેલા તે 35 પૈસા હતું.
IRCTCએ એમ પણ જણાવ્યું છે કે વૈકલ્પિક વીમા યોજનાનો લાભ ફક્ત તે મુસાફરોને જ મળશે જેઓ ઈ-ટિકિટ બુક કરાવશે. રેલવે ટિકિટ કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ પર વીમા યોજનાનો લાભ નહીં મળે. ઓનલાઈન અથવા ઈ-ટિકિટ ખરીદવા પર જ વીમા યોજનાનોનો લાભ મળશે. વીમાની સુવિધા ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર, ચેરકાર વગેરેની કન્ફર્મ અને આરએસી એમ ટ્રેનના તમામ વર્ગોની ટિકિટ પર ઉપલબ્ધ થશે. વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરોને આ વીમા યોજનાનો લાભ નહીં મળે.
તમારે ઓનલાઇન ટિકિટ બુક કરતી વખતે વીમા સુવિધાનો લાભ મેળવવો છે કે નહીં તે પસંદ કરવું પડશે. જો યાત્રી વીમા સુવિધા મેળવવા માગે છે તો તેણે તે અંગેનો વિકલ્પ પસંદ કરવો પડશે. રેલવે પેસેન્જરના મોબાઈલ અને ઈ-મેઈલ પર ઈન્સ્યોરન્સ કંપની તરફથી મેસેજ આવી જશે. એટલું જ નહીં જો મુસાફરી દરમિયાન ટ્રેનનો રૂટ બદલવામાં આવે તો પણ મુસાફરને આ સુવિધાનો લાભ મળશે.
વીમા યોજના હેઠળ રેલવે યાત્રીના મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયા, આંશિક અપંગતાના કિસ્સામાં 7.5 લાખ રૂપિયા અને ઈજાના કિસ્સામાં સારવાર માટે પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. ભારતીય રેલવે દ્વારા સપ્ટેમ્બર 2016માં રેલવે પેસેન્જર માટે વૈકલ્પિક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. તે સમયે યાત્રી દીઠ વીમા પ્રીમિયમ 92 પૈસા હતું જે સરકાર પોતે ચૂકવતી હતી. આ પછી ઓગસ્ટમાં યાત્રી દીઠ વીમા પ્રીમિયમ ઘટાડીને 42 પૈસા કરવામાં આવ્યું અને તેનો બોજ મુસાફરો પર નાખવામાં આવ્યો. બાદમાં યાત્રી દીઠ વીમા પ્રીમિયમ ઘટાડીને 35 પૈસા કરવામાં આવ્યું હતું.