IRCTCની 2.5 કરોડ આઈડી ડિએક્ટિવેટ કરી Indian Railwayએ, બદલાયા મહત્ત્વના નિયમો… | મુંબઈ સમાચાર

IRCTCની 2.5 કરોડ આઈડી ડિએક્ટિવેટ કરી Indian Railwayએ, બદલાયા મહત્ત્વના નિયમો…

ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે દ્વારા સમયાંતરે પ્રવાસીઓની સુવિધા માટે નવા નવા નિયમ અને પોલિસી જાહેર કરવામાં આવે છે. હવે રેલવે દ્વારા આ જ દિશામાં એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. રેલવે દ્વારા આઈઆરસીટીસીની કરોડો શંકાસ્પદ આઈડી ડિએક્ટિવેટ કરી દેવામાં આવી છે. ખુદ સરકારે આ બાબતે જાણકારી આપી છે. આવો જોઈએ કઈ છે આ આઈડી અને કેમ રેલવે દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે-

ઈન્ડિયન રેલવે દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ચાલી રહેલી ગેરરિતીઓ પર અંકુશ લાવવા ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના 2.5 કરોડ યુઝર્સ આઈડીને ડિએક્ટિવેટ કર્યા છે. શંકાસ્પદ બુકિંગ પેટર્ન અને ફેક યુઝર્સની ઓળખ કરીને આ આઈડી ડિએક્ટિવેટ કરી છે. સરકારે સંસદમાં આ બાબતની માહિતી આપી છે.

આ પણ વાંચો: IRCTCના પોર્ટલ પર મિનિટોમાં ટિકિટ બુક થવાનું ‘સિક્રેટ’!

સરકાર દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ એકાઉન્ટ ડિએક્ટિવેટ થયા એ પહેલાં તત્કાલ ટિકિટ બુકિંગમાં અનેક સમસ્યાઓ આવી રહી હતી. અનેક વખત એવું પણ જોવા મળ્યું કે તત્કાલ ટિકિટ વિન્ડો ઓપન થયાના મિનિટોમાં જ બધી ટિકિટ બુક થઈ જતી હતી, કારણ કે એજન્ટ બધી ટિકિટ બુક કરી દેતા હતા, જેનાથી સામાન્ય પ્રવાસીઓને ટિકિટ નહોતી મળતી. જોકે, હવે આ પરિવર્તન બાદ રેલવે પ્રવાસીઓને રાહત મળશે.

સંસદમાં સરકારે જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ સિસ્ટમાં જોવા મળતી ગેરરીતિઓને રોકવા માટે આઈઆરસીટીસીએ હાલમાં જ 2.5 કરોડથી વધુ યુઝર્સ આઈડી ડિએક્ટિવેટ કરી હતી, કારણ કે આ તમામ આઈડી શંકાસ્પદ હતી. આ સિવાય પણ રેલવેના કેટલાક બીજા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આવો જોઈએ શું છે આ નિયમો-

આ પણ વાંચો: તમારી Waiting Ticket Confirm થશે કે નહીં એ આ રીતે જાણો, IRCTC એ બતાવી Secret Tips…

⦁ રિઝર્વ ટિકિટ ઓનલાઈન કે પીઆરએસ કાઉન્ટર પર ફર્સ્ટ કમ, ફર્સ્ટ સીટના આધારે બુક કરાવી શકાય છે. જોકે, કુલ ટિકિટના 89 ટકા બુકિંગ ઓનલાઈનના માધ્યમથી થાય છે

⦁ પીઆરએસ કાઉન્ટર્સ પર ડિજિટલ પદ્ધતિથી પેમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

⦁ પહેલી જુલાઈ, 2025થી તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે માત્ર આધાર વેરિફાઈ યુઝર્સ જ આઈઆરસીટીસીની વેબસાઈટ કે એપની મદદથી ટિકિટ બુક કરાવી શકાય છે

⦁ એજન્ટને તત્કાલ ટિકિટ બુકિંગ ઓપન થવાના 30 મિનિટ પહેલાં તત્કાલ ટિકિટ બુક કરવાથી રોકવામાં આવ્યા છે.

⦁ ટ્રેનોના વેઈટિંગ લિસ્ટના સ્ટેટસની નિયમીત રીતે ચકાસણી કરવામાં આવશે અને વધારાની માંગને પૂરી કરવા માટે ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button