Cargo ship seized by Iran: ઈરાન ભારતીય ક્રૂ મેમ્બર્સને મુક્ત કરશે? વિદેશ પ્રધાન એસ જયશંકરના એક ફોન કરતા ઈરાને આપી આ મંજુરી
નવી દિલ્હી: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ(Iran-Israel tension)ને કારણે દુનિયાભરના દેશો ચિંતામાં છે, કેમ કે આ સંઘર્ષની સધી અસર દરિયાઈ માર્ગે થતા વેપાર પર થઇ શકે છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ શનિવારે ઈઝરાયેલ તરફ જઈ રહેલા કન્ટેનર જહાજ MSC Aries ને હોર્મુઝના અખાતમાં સીઝ કર્યું હતું, આ જહાજમાં 17 ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ હતા. જેને કારણે ભારતીય વિદેશ મંત્રાલય હરકતમાં આવી ગયું હતું.
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર(S Jaishankar) ઈરાનના વિદેશ પ્રધાન અમીર-અબ્દોલ્લાહિયા(Amir-Abdollahian) સાથે રવિવારે સાંજે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન અમીર-અબ્દોલ્લાહિયાએ ખાતરી આપી હતી કે ભારતીય અધિકારીઓને કાર્ગો જહાજ પરના 17 ભારતીય ક્રૂ સભ્યોને મળવાની મંજૂરી આપવામાં આવશે.
એસ જયશંકરે ફોન કોલ દરમિયાન કાર્ગો જહાજ MSC Aries પરના ભારતીય ક્રૂ સભ્યોની મુક્તિની વાત કરી હતી. એસ જયશંકરે કહ્યું કે “ઈરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા જહાજમાં 17 ભારતીય ક્રૂ મેમ્બર્સની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.”
ઈરાનના વિદેશ પ્રધાન અમીર-અબ્દોલ્લાહિયને જણાવ્યું હતું કે “અમે જપ્ત કરાયેલા જહાજની વિગતોને પર ધ્યાન આપી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ ભારત સરકારના પ્રતિનિધિઓ આ જહાજના ક્રૂ સાથે મળવાનું શક્ય બનશે.”
યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) ના દરિયાકાંઠે લગભગ 80 કિમી દૂર ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના સ્પેશિયલ ફોર્સ યુનિટ દ્વારા જહાજને જપ્ત કર્યાના કલાકો પછી ભારતીય પ્રશાસને કહ્યું હતું કે અમે જહાજના ક્રૂમાં 17 ભારતીય નાગરિકોની સુરક્ષાની ખાતરી કરવા અને તેમને વહેલી તકે છોડાવવા ઈરાની સમકક્ષો સાથે સંપર્કમાં છીએ.
પોર્ટુગીઝ ધ્વજવાળા MSC Aries જહાજમાં 17 ભારતીયો ઉપરાંત ક્રૂમાં ફિલીપાઈન્સના ચાર, પાકિસ્તાનના 2, રશિયનનો એક અને એસ્ટોનિયાનો એક નાગરિક છે.
ઇટાલિયન-સ્વિસ શિપિંગ જૂથ MSCએ કહ્યું છે કે અમે ક્રૂની સુરક્ષાની ખાતરી કરવા માટે સંબંધિત અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ.