વિધાતા તને આ શું સૂઝ્યું? IPS અધિકારીનો નોકરીનો પહેલો દિવસ અને…
બેંગલૂરુઃ IPS બનવાનું સપનું તો દેશના કેટલાય લોકો જોતા હોય છે, પણ કોઇક નસીબદાર જ IPS બની શકતો હોય છે. IPS બનવાનું સપનું પૂરું થયા પછી પણ…. મોઢામાં આવેલો કોળિયો છિનવાઇ જાય એવું પણ કંઇ બને. વિધાતાની ચાલ કોઇ જાણી શકતું નથી. કર્ણાટકના હાસન જિલ્લામાં આવો જ બનાવ બન્યો છે. ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હર્ષ વર્ધનની કર્ણાટકના હાસન જિલ્લામાં પ્રથમ પોસ્ટિંગ હતી અને તેઓ જ્યારે ચાર્જ લેવા જઇ રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું, એવી પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે કર્ણાટક કેડરના 2023 બેચના IPS અધિકારી હર્ષ વર્ધન મધ્યપ્રદેશના રહેવાસી હતા. એમની ઉંમર માત્ર 26 વર્ષ હતી.
આ અકસ્માત રવિવારે સાંજે થયો હતો. હાસન તાલુકાના કિટ્ટને નજીક પોલીસ વાહનનું ટાયર ફાટ્યું હતું, જેના પગલે ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને વાહન રસ્તાની બાજુના મકાન અને ઝાડ સાથે અથડાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, હર્ષ વર્ધન હોલેનરસીપુરમાં પ્રોબેશનરી આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ પર જવા માટે હાસન જઈ રહ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હર્ષ વર્ધનને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે ડ્રાઈવર મંજે ગૌડાને સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસે જણાવ્યું કે આઈપીએસ અધિકારી હર્ષ વર્ધને તાજેતરમાં જ મૈસૂરમાં કર્ણાટક પોલીસ એકેડમીમાં ચાર સપ્તાહની તાલીમ પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો : કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો; કેન્દ્રીય મંત્રીના જ પુત્રને ચાખવો પડ્યો હારનો સ્વાદ…
સોમવારે અન્ય એક અકસ્માતમાં કર્ણાટકના તુમકુરુના સિરા વિસ્તારમાં બસ રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 3 મુસાફરોના મોત થયા હતા અને 20 થી વધુ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે સવારે 4.30 વાગ્યે બની હતી. બસ ગોવાથી પરત ફરી રહી હતી. ઘાયલ મુસાફરોને નજીકની જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.