ચેન્નઈ: અહીં રવિવારે આઇપીએલની હાઈ-વૉલ્ટેજ મનાતી ફાઇનલ વન-સાઇડેડ થઈ ગઈ હતી જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 57 બૉલ બાકી રાખી આઠ વિકેટે વિજય મેળવીને કુલ ત્રીજી વાર અને 10 વર્ષે ફરી એકવાર ટાઇટલ જીતી લીધું હતું.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ આખી ટીમ 113 રને ઑલઆઉટ થઈ જતાં આઇપીએલના ઇતિહાસમાં ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરનાર ટીમોમાં લોએસ્ટ સ્કોર નોંધાયો હતો. આખી ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ બૅટિંગ લાઇન-અપ ધરાવતા હૈદરાબાદના બૅટર્સ ખરા સમયે પાણીમાં બેસી ગયા હતા. કોલકાતાએ 114 રનનો નાનો લક્ષ્યાંક 10.3 ઓવરમાં બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. હૈદરાબાદના બોલર્સ ડિફેન્ડ કરી શકે એટલું ટોટલ તેમના જ બૅટર્સ તેમને નહોતા આપી શક્યા. ફટકાબાજી જોવાની અપેક્ષા સાથે આ ફાઇનલ જોવા માગતા અસંખ્ય ક્રિકેટપ્રેમીઓનો રવિવાર બગડ્યો હતો.
વેન્કટેશ ઐયર (બાવન અણનમ, 26 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) કોલકાતાનો સ્ટાર-બૅટર સાબિત થયો હતો. તેને અફઘાની પ્લેયર રહમનુલ્લા ગુરબાઝ (39 રન, 32 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)નો સાથ મળ્યો હતો. તેમની વચ્ચે 91 રનની ભાગીદારી થઈ હતી. એકમાત્ર સુનીલ નારાયણ છ રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયર (છ રને અણનમ)ની કૅપ્ટન્સીમાં અને ગૌતમ ગંભીરની મેન્ટરશિપમાં પૉઇન્ટ્સ-ટેબલનું નંબર-વન કોલકાતા છેવટે ચૅમ્પિયન પણ બન્યું હતું. કમિન્સ અને શાહબાઝે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, હૈદરાબાદની ટીમ પ્રથમ બૅટિંગ લીધા પછી 18.3 ઓવરમાં ફક્ત 113 રને ઑલઆઉટ થઈ ગઈ હતી અને કોલકાતા નાઇટ રાઇડર્સને 114 રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હતો. હૈદરાબાદે પોતાની બૅટિંગતાકાત પર ફરી એકવાર (છ દિવસમાં બીજી વાર) વધુ પડતો આત્મવિશ્ર્વાસ રાખીને પહેલા બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ તેનો ટૉપ-ઑર્ડર અમદાવાદમાં મંગળવાર, 21મી મેએ જેમ કોલકાતા સામે જ પાણીમાં બેસી ગયો હતો એનું ચેન્નઈમાં રીરન થયું હતું.
કૅપ્ટન પૅટ કમિન્સ (24 રન, 19 બૉલ, એક સિક્સર, બે ફોર) ટીમમાં ટૉપ સ્કોરર હતો. જોકે આ સીઝનમાં અનેક રેકૉર્ડ બનાવનાર બિગ-હિટર્સવાળી હૈદરાબાદની ટીમમાં એકેય બૅટર પચીસ રન પણ નહોતો બનાવી શક્યો.
બીજી બાજુ, કોલકાતાના તમામ છ બોલરે વિકેટ લીધી હતી. એમાં આન્દ્રે રસેલ (2.3-0-19-3), મિચલ સ્ટાર્ક (3-0-14-2), હર્ષિત રાણા (4-1-24-2), વરુણ ચક્રવર્તી (2-0-9-1), સુનીલ નારાયણ (4-0-16-1) તથા વૈભવ અરોરા (3-0-24-1)નો સમાવેશ હતો.
હૈદરાબાદે અત્યંત ખરાબ શરૂઆત કરી હતી. સ્ટાર ઓપનર્સ અભિષેક શર્મા (બે રન) અને ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ (0) ક્રીઝ પર સેટલ થતાં પહેલાં જ વિકેટ ગુમાવી બેઠા હતા. આઇપીએલના 17 વર્ષના ઇતિહાસના સૌથી મોંઘા 24.75 કરોડની કિંમતના ખેલાડી અને ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ફાઇનલના પાંચમા જ બૉલમાં અભિષેકને ક્લીન બોલ્ડ કરીને સનસનાટી મચાવી દીધી હતી. લેન્ગ્થનો બૉલ મિડલ સ્ટમ્પની લાઇનમાં પડ્યો હતો અને અભિષેક ડિફેન્સિવ રમવા ગયો હતો, પરંતુ સ્ટાર્કનો એ બૉલ તેના ડિફેન્સને ભેદીને ઑફ સ્ટમ્પ પર ગયો હતો અને તેની બેલ ઊડી ગઈ હતી.
ત્યાર પછીની ઓવરમાં પેસ બોલર વૈભવ અરોરા ત્રાટક્યો હતો. તેના છેલ્લા બૉલમાં હૈદરાબાદના બૅટર્સનો ટૉપર ટ્રેવિસ હેડ પોતાના પહેલા જ બૉલમાં (ગોલ્ડન ડકમાં) અફઘાની વિકેટકીપર રહમનુલ્લા ગુરબાઝને કૅચ આપી બેઠો હતો. હેડના બૅટની જરાક કટ વાગ્યા બાદ બૉલ સ્ટમ્પ્સની પાછળ ગયો હતો અને ગુરબાઝે કોઈ જ ભૂલ નહોતી કરી. એઇડન માર્કરમ સાથેની જોડીમાં માંડ બીજા 15 રન બન્યા હતા ત્યાં રાહુલ ત્રિપાઠી (9 રન)ને પણ સ્ટાર્કે પૅવિલિયન ભેગો કરી દીધો હતો. 21 રનના ટીમ-સ્કોર પર ત્રિપાઠીની વિકેટ પડ્યા પછી એઇડન માર્કરમ (20 રન, 23 બૉલ, ત્રણ ફોર) અને નીતિશ રેડ્ડી (13 રન, 10 બૉલ, એક સિક્સર, એક ફોર)એ બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. સ્ટાર્ક અને વૈભવની બોલિંગનો સાવચેતીથી સામનો કરીને તક મળી ત્યારે તેઓ બૉલને બાઉન્ડરી લાઇનની બહાર પણ મોકલતા રહ્યા હતા. જોકે આ વખતે હર્ષિત રાણાએ પરચો બતાવ્યો હતો. તેણે પોતાની પહેલી જ ઓવરનો છેલ્લો બૉલ કલાકે 146 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો જેમાં નીતિશ રેડ્ડી ઑફ સ્ટમ્પની બહારના બૉલને ઑફ સાઇડ પર દૂર મોકલવા માગતો હતો, પણ તેના બૅટની કટ લાગ્યા બાદ બૉલ વિકેટકીપર ગુરબાઝ તરફ ગયો હતો જેણે ફરી કોઈ ભૂલ નહોતી કરી કૅચ પકડીને નીતિશને પૅવિલિયન ભેગો કરી દીધો હતો. આ ચોથી વિકેટ માત્ર 47 રનના સ્કોર પર પડી હતી.
આ ચાર વિકેટમાં કૅચઆઉટમાં વિકેટ ગુમાવી બેઠેલા ત્રણમાંના બે બૅટરના કૅચ ત્રીજી જ મૅચ રમી રહેલા ગુરબાઝે પકડ્યા હતા. સેટ થઈ ગયેલા માર્કરમની 62 રનના કુલ સ્કોર પર પાંચમી વિકેટ પડી ત્યાર પછી બીજા 28 રનમાં (90 રન સુધીમાં) ચાર વિકેટ પડી ગઈ હતી. આન્દ્રે રસેલે માર્કરમ ઉપરાંત હેડના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઇલેવનમાં આવેલા અબ્દુલ સામદ (4 રન)ને આઉટ કર્યો હતો, જ્યારે શાહબાઝ અહમદ (8 રન)ની વિકેટ વરુણ ચક્રવર્તીએ કૅચઆઉટમાં લીધી હતી તથા ક્લાસેન (16 રન)ને હર્ષિત રાણાએ ક્લીન બોલ્ડ કર્યો હતો.
16મી ઓવર સુનીલ નારાયણે કરી હતી જેમાં કૅપ્ટન કમિન્સના બિગ-હિટમાં લૉન્ગ ઑન પર સ્ટાર્કે ઊંચો, પરંતુ આસાન કૅચ છોડ્યો હતો. જોકે કમિન્સ ત્યાર બાદ ખાસ કંઈ રન નહોતો બનાવી શક્યો. 113મા રને 10મી વિકેટ તેની પડી હતી. રસેલના બૉલમાં છેવટે તે બાઉન્ડરી લાઇનની ખૂબ નજીક સ્ટાર્કના જ હાથમાં કૅચઆઉટ થયો હતો. વિકેટકીપર ગુરબાઝે કુલ ત્રણ કૅચ પકડ્યા હતા.
એ પહેલાં, કોલકાતાના સુકાની શ્રેયસ ઐયરે સિક્કો ઉછાળ્યો હતો અને હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
હૈદરાબાદની ટીમે ગઈ મૅચની ટીમમાંના અબ્દુલ સામદના સ્થાને શાહબાઝ અહમદને ઇલેવનમાં સમાવ્યો હતો. કોલકાતાએ ક્વૉલિફાયર-વનની જ ઇલેવન રીટેન કરી હતી.
કોલકાતાની ટીમ અગાઉ બે વાર અને હૈદરાબાદની ટીમ એક વાર ટાઇટલ જીતી છે.
હૈદરાબાદની ટીમ અગાઉની નવમાંથી છ મૅચમાં પ્રથમ બૅટિંગ કર્યા પછી જીતી હતી, જ્યારે કોલકાતાએ છેલ્લી જે ચાર મૅચમાં ટાર્ગેટ ચેઝ કર્યો એ ચારેય મૅચમાં વિજય મેળવ્યો હતો.