ગાઝામાં ઈન્ટરનેટ સેવા ઠપ: ૨૩ લાખ લોકો સંપર્ક વિહોણા
ગાઝા: ઈઝરાયલે શુક્રવારે ગાઝા પરના હવાઈ હુમલા અને જમીન હુમલા વધાર્યા હોવાને કારણે ગાઝાની ઈટન્ટરનેટ સેવા ઠપ થઈ જવાને કારણે અંદાજે ૨૩ લાખ લોકોએ એકમેકનો તેમ જ સમગ્ર વિશ્ર્વ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હોવાનું જણાવતાં ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે ગાઝા પર જમીની કાર્યવાહી વધુ વ્યાપક કરવામાં આવશે.
સેના દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત ગાઝા પરના ઑલઆઉટ આક્રમણના સંકેત આપે છે. ત્રણ અઠવાડિયા અગાઉ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ પર કરેલા હુમલા બાદ ઈઝરાયલ હમાસ આતંકવાદી જૂથને કચડી નાખવા અને તેનો ખાતમો બોલાવી દેવા પ્રતિબદ્ધ બન્યું હતું.
સતત કરવામાં આવી રહેલા હવાઈ હુમલાને કારણે ગાઝા શહેરનું આકાશ આગની જ્વાળાઓથી પ્રકાશી રહ્યું છે. પૅલેસ્ટાઈનવાસીઓને ટેલિકોમ સેવા પૂરી પાડતા પાલટેલે કહ્યું હતું કે ઈઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા બૉમ્બમારાને
કારણે ઈન્ટરનેટ, મોબાઈલ અને લૅન્ડલાઈન સેવા ખોરવાઈ ગઈ છે.
આ કારણે હુમલાને લીધે થતી જાનમાલની હાનિ તેમ જ જમીન માર્ગે થતા હુમલાની વિગતો સમયસર મળી શકાતી નથી. જોકે અમુક સેટેલાઈટ ફોન હજુ પણ કાર્યરત છે.
અઠવાડિયા અગાઉ વીજપુરવઠો ખંડિત કરવામાં આવ્યા બાદ અંધારપટમાં ગરક થઈ ગયેલા પૅલેસ્ટાઈનવાસીઓ હવે બધી રીતે વિખૂટા પડી ગયા છે.
હવાઈ અને જમીન હુમલાથી બચવા ઘરમાં સંતાઈ ગયેલા લોકો પાસેનો અનાજ અને પાણીનો સંગ્રહ ખૂટી રહ્યો છે.
ઈન્ટરનેટ સેવા ઠપ થઈ જવાને કારણે પૅલેસ્ટાઈનમાં રહેતા સગાંસંબંધીઓ અને પરિવારજનો સાથેનો સંપર્ક અચાનક તૂટી જતાં ગભરાઈ અને ચિંતામાં પડી ગયા છે.
ઈન્ટરનેટ સેવા બંધ થવાને કારણે તેઓ એકમેક સાથે મૅસેજ કે અન્ય કોઈ રીતે સંપર્ક કરવા અસમર્થ બન્યા છે. (એજન્સી)