નેશનલસ્પેશિયલ ફિચર્સ

International Yoga Day 2024: યોગ દિવસ પર જાણો દેશના યોગ ગુરુઓ વિશે, જેને કારણે યોગ વિશ્વમાં વિખ્યાત થયો

આજે સમગ્ર વિશ્વએ યોગ અને તેના મહત્વનો સ્વીકાર કર્યો છે. યોગ એ વિશ્વને ભારતે આપેલી અમૂલ્ય ભેટ છે. યોગના કારણે લોકોના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવ્યા છે. યોગનો શ્રેય ભારતના મહાન યોગ ગુરુઓને જાય છે, જેમના કારણે વિશ્વમાં યોગના ફાયદા અને મહત્વને દુનિયામાં ઓળખ મળી.

યોગ ભારતની પ્રાચીન પદ્ધતિ છે. યોગ વ્યક્તિને ફિટ, સ્વસ્થ અને જીવનશૈલીમાં સંતુલિત રાખે છે. યોગ સ્વાસ્થ્ય માટે વરદાન છે. યોગના અનેક ફાયદાઓ છે. દર વર્ષે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ભારતમાં અનેક યોગ ગુરુઓ થઇ ગયા છે, જેમણે યોગનો ધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાવ્યો છે. આ યોગગુરુઓને કારણે આજે સમગ્ર વિશ્વમાં યોગ લોકપ્રિય બન્યો છે. આવતી કાલે યોગ દિવસના ઉપલક્ષમાં ચાલો આપણે એવા ભારતીય યોગ ગુરુઓ વિશે જાણીએ જેમના પ્રયત્નોએ યોગને દુનિયામાં ઓળખ અપાવી.

મહર્ષિ પતંજલિઃ તેમને યોગના પિતા ગણવામાં આવે છે. તેમણે યોગના 195 સૂત્રોનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ફિલસુફીનો આધારસ્તંભ ગણવામાં આવે છે. તેમણે જ અષ્ટાંગ યોગનું મહત્વ સમજાવ્યું હતું, જે તંદુરસ્ત જીવન માટે મહત્વપૂર્ણ છે.
તિરૂમલાઇ કૃષ્ણમાચાર્યઃ તેમને આધુનિક યોગના જનક કહેવામાં આવે છે. તેમની પાસે આયુર્વેદ અને યોગનું જ્ઞાન હતું. યોગને પ્રમોટ કરવા તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો હતો. તેમણે હઠયોગની પ્રેક્ટિસને ફરીથી પ્રોત્સાહન આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ હૃદયના ધબકારા નિયંત્રિત કરવાનું પણ જાણતા હતા.
મહર્ષિ મહેશ યોગીઃ તેમણે પણ યોગને વિશ્વ સુધી લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ અમેરિકાથી પોતાની વિદેશ યાત્રા શરૂ કરી હતી અને હોલેન્ડ પહોંચ્યા હતા અને પછી ત્યાં પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં યોગ દિવસે કુલ 312 જગ્યા પર યોગ કાર્યક્રમ યોજાશે

બીકેએસ આયંગરઃ તેમનું પૂરું નામ બેલ્લુર કૃષ્ણમાચારી સુંદરરાજ આયંગર હતું. તેમણે આયંગર યોગની સ્થાપના કરી અને સમગ્ર વિશ્વમાં તેનો ફેલાવો કર્યો હતો. તેમણે યોગ વિદ્યા નામની એક સંસ્થાની પણ સ્થાપના કરી હતી. આ સંસ્થાની વિશ્વમાં 100થી પણ વધુ શાખા છે, જેના થકી ભારતીય યોગને સમગ્ર વિશઅવમાં ઓળખ મળી છે. તેમણે યોગ ઉપર લાઇટ ઓન યોગા નામનું પુસ્તક પણ લખ્યું છે.

જગ્ગી વાસુદેવઃ તેઓ સદગુરુ તરીકે પણ ઓળખાય છે. તેઓ ઇશા ફાઉન્ડેશનના સ્થાપક છે. આ ફાઉન્ડેશન સમગ્ર વિશ્વમાં યોગ શીખવે છે અને યોગને લગતા કાર્યક્રમોનું પણ આયોજન પણ કરે છે.

આ ઉપરાંત શ્રી યોગેન્દ્ર, સ્વામીરામ, આચાર્ય રજનીશ, સ્વામી સત્યેન્દ્ર સરસ્વતી, ગુરુ પરમહંસ યોગાનંદ, સ્વામી શિવાનંદ, યોગાચાર્ય સ્વામી, કુવલયાનંદ, કૃષ્ણ પટ્ટાભી જોઇસ ,સ્વામી વિવેકાનંદ, બિક્રમ ચૌધરી, બાબા રામદેવ વગેરેના નામ સામેલ છે. આ બધા યોગગુરુઓ યોગને સમગ્ર વિશ્વમાં લઇ ગયા અને તેને જાણીતો કર્યો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button