ચીન પર આ શું બોલી ગયા માલદીવ્સના પ્રમુખ મુઈઝુ….? ચારે બાજુ થઇ રહી છે ચર્ચા
નવી દિલ્હીઃ માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ રવિવારે દિલ્હી પહોંચ્યા હતા. જે દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમની સાથે મુલાકાત કરી હતી. માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઇઝુની ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ પહેલા તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હી પહોંચ્યા હતા. જોકે, આ વખતે તેઓ પરસ્પર હિતોની ચર્ચા કરવા માટે દિલ્હી આવ્યા છે. મુઇઝુની સરકાર માલદીવ્સમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને તેઓ ભારત સાથેના સંબંધોને ફરીથી સુધારવા માંગે છે. તેમણે ભારતને ખાતરી આપી છે કે તેમનો દેશ ભારતની સુરક્ષાને હાનિ પહોંચે તેવું કામ ક્યારેય નહીં કરે. ચીનની નજીક ગણાતા મુઇઝુએ રવિવારે જણાવ્યું હતું કે ચીન સાથેના માલદીવ્સના સંબંધોથી ભારતની સુરક્ષાને ક્યારેય કોઈ આંચ નહીં આવે.
એક ભારતીય મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં મુઇઝુએ જણાવ્યું હતું કે માલદીવ્સ ક્યારે એવું કોઈ પગલું નહિ ભરે જેનાથી ભારતની સુરક્ષાને નુકસાન પહોંચે. ભારત માલદીવ્સનો એક અમૂલ્ય ભાગીદાર છે અને મિત્ર છે. અમારા સંબંધો પરસ્પર આદર અને હિતના આધારે બનેલા છે. અમે એ નિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમારા ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સાથે કોઈ છેડા ના થાય.
નોંધનીય છે કે ચીન તરફ ઝૂકાવ ધરાવતા મુઇઝુએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ પદનો ભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં ગંભીર તણાવ જોવા મળ્યો હતો.. માલદીવ્સના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટીપ્પણી કર્યા બાદ આ તણાવ ઘણો જ વધી ગયો હતો. આટલું ઓછું હોય તેમ મુઇઝુએ ભારતીય સેનાને માલદીવમાંથી તાત્કાલિક રીતે હટાવવાનો આદેશ આપ્યો હતો. જ્યારે મુઇઝુને ભારતીય સૈનિકોને પાછા મોકલવાના તેમના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ તેમના દેશની પ્રાથમિકતાઓને સંબોધિત કરી રહ્યા હતા, પરંતુ હવે માલદીવ્સ અને ભારત એકબીજાની પ્રાથમિકતાઓ અને ચિંતાઓ અને વધુ સારી રીતે સમજે છે. માલદીવ્સના લોકોએ તેમને જે કહ્યું તે તેમણે કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય હિત માટે આવું પગલું ભર્યું હતું.
મુઇઝુ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે.