પાકિસ્તાનની હલકટાઈ ને મહાન કપિલદેવનું અપમાન
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં જીતીને ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું. આ વર્લ્ડકપે કરોડો ભારતીયોને હતાશ કરી નાંખ્યા ને આ હતાશા જતાં દિવસો લાગશે. સળંગ દસ મેચો જીત્યા પછી જરૂર હતી ત્યારે જ આપણા ક્રિકેટરો ના રમ્યા તેનો આઘાત લાગવો સ્વાભાવિક છે. ક્રિકેટમાં હારજીત તો ચાલ્યા કરે એવું કહેવું સરળ છે પણ એ તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવું છે. હારને પચાવવી ખરેખર અઘરી છે ને તેમાં પણ ફાઈનલની હારને પચાવવી તો બહુ અઘરી છે તેથી આ હાર જલદી નહીં પચે. તેના કારણે આપણા ક્રિકેટરોને ગાળો પણ પડશે ને બીજુ પણ ઘણું થશે.
આપણા ક્રિકેટરો ગાળોને લાયક પણ છે ને આ વાત હારની હતાશાના કારણે નહીં પણ તેમના રેકોર્ડના આધારે કહી રહ્યો છું પણ તેની વાત પણ ક્યારેક કરીશું. અત્યારે વાત વર્લ્ડ કપને ફાઈનલને લગતી બે ઘટનાઓની કરવી છે. એક ઘટના પાકિસ્તાનની હલકટાઈની છે ને બીજી ઘટના આપણા ક્રિકેટ બોર્ડની હલકટાઈની છે.
વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને ૬ વિકેટથી હરાવીને છઠ્ઠી વખત વન-ડે વર્લ્ડ કપ જીત્યો પછી ઑસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને વર્લ્ડકપ ટ્રોફી આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે અપાઈ હતી. ઑસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન રિચર્ડ માર્લ્સ પણ એ વખતે સાથે હતા.
હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો-ક્લિપ વાઇરલ કરાઈ છે કે જેમાં મોદી અને રિચર્ડ માર્લ્સ પેટ કમિન્સને વર્લ્ડ કપ ૨૦૨૩ની ટ્રોફી આપે છે ને પછી તરત મોં ફેરવીને બીજી તરફ ચાલવા માંડે છે. આ ક્લિપ સાથે દાવો કરાઈ રહ્યો છે કે મોદીએ કમને કમિન્સને વર્લ્ડ કપની ટ્રોફી આપી હતી અને ઑસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સ સાથે હાથ મિલાવ્યા વિના ચાલતી પકડી હતી.
પાકિસ્તાની પત્રકાર વજાહત કાઝમીએ ચાર સેક્ધડનો આ વીડિયો મૂક્યો પછી એ વાઇરલ થયો છે. કાઝમીએ બીજી પણ તસવીર મૂકી છે કે જેમાં ભારતીયો હતાશ છે. વજાહતે પોસ્ટમાં લખ્યું છે કે, આ જોઈને મજા આવી રહી છે, કમ ઓન ઑસ્ટ્રેલિયા. બીજી પોસ્ટમાં વજાહતે લખ્યું છે કે, પાડોશીઓ આટલા ચૂપ કેમ છે?
આ વીડિયોના આધારે પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ એક્સપ્રેસ ન્યૂઝે પોસ્ટ મૂકી છે કે, વર્લ્ડ કપમાં શરમજનક હાર; ઑસ્ટ્રેલિયન કેપ્ટન પ્રત્યે મોદીનું મજાક ઉડાવતું વલણ. એક્સપ્રેસ ન્યૂઝે એક લેખ પણ ફટકારી દીધો છે. ઉર્દૂમાં લખાયેલા લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની કારમી હાર બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી યજમાન તરીકેના શિષ્ટાચારને પણ ભૂલી
ગયા હતા.
પાકિસ્તાનીઓનો હલકટાઈનો આ પોસ્ટ વધુ એક નાદાર નમૂનો છે. પાકિસ્તાનીઓએ આખો વીડિયો મૂકવાના બદલે તેમાંથી નાનો ટુકડો મૂકીને મોદી શિષ્ટાચાર ભૂલી ગયા એવું પિક્ચર ઊભું કરવાની કોશિશ કરી પણ વાસ્તવિકતા એ છે કે, વડા પ્રધાન મોદીએ કમિન્સને વર્લ્ડ કપ ટ્રોફી આપતી વખતે એકદમ ઉષ્માથી હાથ મિલાવ્યા હતા અને વાત પણ કરી હતી. એ પછી મોદી સ્ટેજ પરથી ચાલીને નીચે ગયા અને ઑસ્ટ્રેલિયન ટીમના તમામ ખેલાડીઓ સાથે એક પછી એક હાથ મિલાવ્યા.
વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટો પડાવવાના ઉત્સાહમાં કેટલાક યુવા ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો મોદી સાથે હાથ મિલાવ્યા વિના સ્ટેજ પર ચડી ગયા હતા. મુદ્દો જ ઊભો કરવો હોય તો એ લોકોએ મોદીનું અપમાન કર્યું એવો કરી શકાય પણ ભારતીયોની એ આદત નથી. વર્લ્ડ કપ વિજય બહુ મોટી ઘટના છે ને તેના ઉત્સાહમાં સામાન્ય શિષ્ટાચાર ભૂલી જવાય. તેની પાછળ યુવા ક્રિકેટરોનો કોઈને અપમાનિત કરવાનો ઈરાદો ના હોય એ જોતાં એ વાતને મહત્ત્વ ના આપવાનું હોય.
મોટા ભાગના ઑસ્ટ્રેલિયન ક્રિકેટરોએ મોદી સાથે હાથ મિલાવ્યા અને વાત પણ કરી. પરસ્પર સન્માન અને આદરના માહોલમાં આ સમારોહ સંપન્ન થયો એ પાકિસ્તાનથી સહન થતું નથી તેથી હલકટાઈઓ કરી રહ્યા છે. પાકિસ્તાન ધોયેલા મૂળાની જેમ પાછું ઘરે ગયું ને ભારત ફાઈનલ લગી પહોંચ્યું એ સહન થતું નથી તેની આ બધી બળતરા છે. ભારતીયોએ આવા હલકા પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ ને મોદીએ કોઈનું અપમાન કર્યું નથી એ વાત સોશિયલ મીડિયા પર મૂકવી જોઈએ. આ વાત દેશના ગૌરવની છે, દેશના વડા પ્રધાનના ગૌરવની છે. કોઈ જૂઠાણાં ચલાવીને તેમને બદનામ કરે એ સામે ભારતીયો ચૂપ ના રહી શકે.
ભારતીયોએ બીજી એક ઘટનાને પણ સોશિયલ મીડિયા પર મૂકવી જોઈએ કેમ કે આ વાત પણ દેશના ગૌરવ સાથે જોડાયેલી છે. અમદાવાદમાં રમાયેલી વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કપિલદેવ સહિત ૧૯૮૩ના વર્લ્ડ કપની વિજેતા ટીમના કોઈ પણ સભ્યને નિમંત્રણ નહોતું આપ્યું. મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ અને કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે મહિલા કુશ્તીબાજોનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું તેની સામે કપિલદેવની આખી ટીમે વિરોધ નોંધાવીને મહિલા કુશ્તીબાજોને સમર્થન આપેલું. આ વાતની ક્ધિનાખોરી રાખીને કપિલદેવને નિમંત્રણ ના અપાયું.
આ વાત સાચી હોય તો બોર્ડના કારભારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કેમ કે કપિલદેવ અને તેમની ટીમ ભારતનું ગૌરવ છે. ભારતને ૧૯૮૩માં પહેલો વન ડે વર્લ્ડ કપ જીતાડનાર કપિલદેવનો ભારતમાં જ નહીં પણ દુનિયાભારમાં ક્યાંય પણ રમાતી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં હાજર રહેવાનો પહેલો અધિકાર છે. કપિલદેવે પહેલાં જાહેરાત કરી હતી કે, પોતે ૧૯૮૩ની ટીમના હયાત સાથી ખેલાડીઓ સાથે ફાઈનલ જોવા અમદાવાદ જવાના છે પણ તેમને આમંત્રણ જ આપવામાં ના આવતાં છોભીલા પડી ગયા.
કપિલદેવ મહાન છે તેથી તેમણે આખી વાતને અત્યંત હળવાશથી લીધી છે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડવાળાઓના માથે બહુ જવાબદારીઓ હોવાથી ભૂલી ગયા હશે એણ કહીને કપિલદેવે વાતને વાળવા પ્રયત્ન કર્યો છે પણ આ ભૂલ અક્ષમ્ય છે. બોર્ડે આ ભૂલ માટે કપિલદેવ સહિતની આખી ટીમની માફી માગવી જોઈએ ને એ લોકો માફી ના માગે તો લોકોએ તેમને ફરજ પાડવી જોઈએ.
મહિલા કુશ્તીબાજોના મુદ્દે દેશ ચૂપ રહ્યો. હવે આ દેશના ગૌરવસમા ખેલાડીના અપમાન સામે પણ ચૂપ રહીએ તો પછી આપણા જેવા નપાણિયા બીજા કોઈ ના કહેવાય.