સંઘર્ષથી સંસદ સુધી: કેરળના સદાનંદન માસ્ટરની પ્રેરણાદાયી ગાથા, દીકરીના આગમનનો ભાવુક વીડિયો છવાયો…

કન્નુર: રાષ્ટ્રપતિ દ્વારા કેરળ ભાજપના નેતા સી. સદાનંદન માસ્ટરને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. સદાનંદન માસ્ટર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને ત્રણ દાયકા પહેલા ઉત્તરી કેરળના કન્નુર જિલ્લામાં થયેલી રાજકીય હિંસાના પીડિત છે. એક નિવૃત્ત શિક્ષક એવા સદાનંદન માસ્ટરને ગયા અઠવાડિયે જ કેરળ ભાજપના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના રાજ્યસભામાં નોમિનેટ થયા બાદ તેમની પુત્રી પ્રથમવાર ઘરે આવે છે અને પિતાને મળે છે તેનો ભાવુક કરનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પિતા-પુત્રીના મિલનનો ભાવુક વિડિયો
સદાનંદન માસ્ટરની પુત્રી પિતાના ઘરે આવ્યા બાદનું દ્રશ્ય અત્યંત ભાવુક કરનારું હતું. સદાનંદન માસ્ટર પોતાની પુત્રીને ગળે લગાવે છે અને ત્યારબાદ કેક કાપે છે. આ દરમિયાન તેમની પુત્રી પોતાના પિતાને કેક ખવડાવે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

તેમનો પરિવાર હતો કોમ્યુનિસ્ટ સમર્થક
સદાનંદન માસ્ટર કન્નુરના મટ્ટનૂર પાસે આવેલા પેરિંચેરી ગામના વતની છે અને તેમનું ગામ એક સમયે CPI(M)નો ગઢ ગણાતું હતું. પોતાનો પરિવાર કોમ્યુનિસ્ટ સમર્થક હોવા છતાં, તેઓ RSS માં જોડાયા અને તેના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા સંઘમાં સક્રિય થયા.
સંઘમાં જોડાવાનાં સદાનંદન માસ્ટરના નિર્ણયને કથિત રીતે સ્થાનિક સીપીઆઈએમએ ભડકાવ્યો અને તેને નિશાન બનાવવામાં આવ્યા હતાં. વર્ષ ૧૯૯૪માં જયારે તેઓ રાતે એક બસમાંથી ઉતરીને પોતાના ઘરે જઈ રહ્યા હતાં અને આ દરમિયાન તેના પર એક ટોળાએ હુમલો કરી દીધો હતો. આ સમયે તેઓ સંઘના પ્રચારકનાં રૂપમાં કાર્યરત હતાં.
બન્ને પગ ગોઠણ નીચેથી કાપીને ફેંકી દેવામાં આવ્યા
આ ઘટનાને યાદ કરતા સદાનંદને પછી કહ્યું, “એક ટોળું અચાનક બોમ ફેકવા લાગ્યું હતું, જેનાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને લોકો દુકાન બંધ કરવા લાગ્યા હતાં અને વેપારીઓ દુકાન બંધ કરવા લાગ્યા હતાં. ટોળું મારી પાછળ આવ્યું અને મને પકડી લીધો. બાદમાં રોડમાં સુવડાવી દીધો અને મારા બન્ને પગ ગોઠણ નીચેથી કાપીને ફેંકી દેવામાં આવ્યા હતાં. જ્યાં સુધી પોલીસ ન આવી ત્યાં સુધી મને હોસ્પિટલમાં પણ લઇ જવામાં ન આવ્યો. ત્યાં સુધી મારી મદદ કરવાની કોઈએ હિંમત પણ ન કરી.
હોસ્પિટલમાં કેટલાક મહિના વિતાવ્યા બાદ સદાનંદનના બંને પગમાં આર્ટિફિશિયલ પગ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાજપે તેમના પુનર્વસનનું બીડું ઝડપ્યું અને તેમને ભાજપના મુખપત્ર ‘જનમભૂમિ’ માં સબ-એડિટર તરીકે નિયુક્ત કર્યા હતાં. 1999માં સદાનંદન ત્રિશુરમાં સંઘ દ્વારા સંચાલિત એક શાળામાં શિક્ષક તરીકે જોડાયા.

વિધાનસભા ચૂંટણી પણ લડી
હુમલા પછી પણ સદાનંદન સંઘ પરિવારમાં સક્રિય રહ્યા. 2016ની વિધાનસભા ચૂંટણીઓમાં જ્યારે ભાજપે ‘CPI(M)-પ્રાયોજિત’ હિંસાને એક મુખ્ય મુદ્દો બનાવ્યો હતો, ત્યારે તેણે સદાનંદનને કુથુપરમ્બા વિધાનસભા ક્ષેત્રથી ઉમેદવાર બનાવ્યા હતાં. અહીં 1990ના દાયકામાં કન્નુરમાં કેટલીક ક્રૂર રાજકીય હત્યાઓ થઈ હતી. તેઓ CPI(M) ના કે.કે. શૈલજા અને જેડીયુ ઉમેદવાર કે.પી. મોહનન પછી ત્રીજા સ્થાને રહ્યા અને તેમને 20,000 થી વધુ મત મળ્યા હતાં. સદાનંદન 2020માં ત્રિશુરના પેરમંગલમના એક શાળામાંથી શિક્ષક તરીકે નિવૃત્ત થયા હતાં.