દુશ્મનોની ઊંઘ હરામ કરનારું આઈએનએસ સુરત હજીરા પહોંચ્યું, જાણી લો વિશેષતાઓ?

અમદાવાદઃ ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ સુરત ચોર્યાસી તાલુકાના હજીરા અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનીકોથી સજ્જ આ લડાયક જહાજનું હજીરા પોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જહાજ તમામ ટેક્નોલોજીથી સજ્જ છે. સુરતમાં આમ જનતા માટે આ જહાજ નિહાળવા માટે પ્રવેશ વ્યવસ્થા નથી. તા.1 અને 2 મે દરમિયાન અદાણી હજીરા પોર્ટ પર માત્ર આમંત્રિતોને જ પ્રવેશ મળશે.
આ સમયગાળા દરમિયાન પોલીસ અધિકારીઓ, સેના પ્રતિનિધિઓ, એનસીસીના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને જહાજની અંદરથી મુલાકાત લેવા અને તેના કાર્યોની રૂપરેખા જાણવા મળશે.આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાંથી લોકો માટે નિયત સમયગાળામાં પ્રવાસ યોજવામાં આવશે. જેમાં લોકો આઈએનએસ સુરતનું આર્કીટેક્ચર, મિસાઈલ લૉન્ચિંગ સિસ્ટમ, રડાર, કમ્યુનિકેશન ડેક અને અન્ય વ્યવસ્થાઓને નજીકથી જોઈ શકશે. આ જહાજમાં અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ, સૌથી આધુનિક રડાર તંત્ર, ઈલેક્ટ્રોનિક વોરફેર સાધનો અને સુપરસોનિક સેન્સર્સ જેવા તદ્દન આધુનિક સાધનો સજ્જ છે. તે દુશ્મન દેશોની કોઈપણ દરિયાઈ હરકત સામે તરત પ્રતિક્રિયા આપી શકે છે. નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે, આઈએનએસ સુરત એ માત્ર એક જહાજ નથી, તે ભારતીય નૌકાદળની શક્તિ અને આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.
આ પણ વાંચો: નૌકાદળમાં ‘ત્રિદેવ’નો સમાવેશઃ દુશ્મનોના દાંત ખાટા કરનારા યુદ્ધજહાજની વિશેષતા જાણો
શું છે આ જહાજની ખાસિયતો
જહાજની લંબાઈ 167 મીટર, પહોળાઈ 17.4 મીટર અને વજન 7400 ટન છે
તે 30 નોટ્સ (56 કિમી/કલાકથી વધુ)ની ઝડપ ધરાવે છે
આ જહાજ નૌકાદળના 50 અધિકારી અને 250 ખલાસીને સમાવી શકે છે
આઈએનએસ સુરત એન્ટી-સર્ફેસ, એન્ટી-એર અને એન્ટી-સબમરીન યુદ્ધમાં સક્ષમ છે
એમએફ-સ્ટાર રડાર અને નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓથી સંપૂર્ણ સજ્જ છે
ઉપરાંત ચેતક, એએલએચ, સી કિંગ અને એમએચ-60આર જેવાં હેલિકોપ્ટરોનું દિવસ-રાત સંચાલન કરી શકે છે
જેમાં રેલ-લેસ હેલિકોપ્ટર ટ્રાવર્સિંગ સિસ્ટમ અને વિઝ્યુઅલ એઇડ લેન્ડિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે
સુરત પરથી કેમ રાખવામાં આવ્યું
આઈએનએસ – સુરત પ્રોજેક્ટ 15બી વિનાશકનું ચોથું જહાજ છે, જે પી15એ (કોલકાતા વર્ગ) વિનાશકની નોંધપાત્ર ઓવરઓલની શરૂઆત કરે છે અને તેનું નામ ગુજરાત રાજ્યની વ્યાપારી રાજધાની સુરત પરથી રાખવામાં આવ્યું છે. સુરત શહેરમાં સમૃદ્ધ દરિયાઈ અને જહાજ નિર્માણનો ઈતિહાસ છે અને શહેરમાં 16મી અને 18મી સદીમાં બાંધવામાં આવેલા જહાજો તેમના લાંબા આયુષ્ય (100 વર્ષથી વધુ) માટે જાણીતા હતા. સુરતના આ અભૂતપૂર્વ યોગદાનને બિરદાવતા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજને આઈએનએસ – સુરત નામ આપવામાં આવ્યું હતું.