રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નવોદિત મુખ્ય પ્રધાનને પગલે ભાજપના યુવાન નેતાઓ માટે નવી આશા
ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનની નિયુક્તિને પગલે પહેલી વખત ચૂંટણી લડીને પણ પદ મળી શકે એવો સંકેત ઉત્સાહનું કારણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપ દ્વારા ત્રણ રાજ્યોમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની પસંદગીમાં જે માપદંડ અપનાવવામાં આવ્યા છે તેને પગલે રાજ્ય ભાજપના યુવાન નેતાઓમાં આશાનો સંચાર થયો છે અને બીજી તરફ સિનિયર વિધાનસભ્યોની ચિંતામાં વધારો થયો છે.
ભાજપના મોવડી મંડળે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પ્રસ્થાપિત નેતાઓને તડકે મૂકીને નવા ચહેરાઓને ટોચના સ્થાન આપ્યા છે. આ બાબતને લઈને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓમાં અત્યારે ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 2024ની ચૂંટણીમાં પોતાને ઉમેદવારી મળશે કે નહીં અને મળે તો પણ સત્તાનું સ્થાન મળશે કે નહીં તેની ચિંતા અત્યારે સિનિયર વિધાનસભ્યોને સતાવી રહી છે. બીજી તરફ સંગઠનમાં કામ કરી રહેલા યુવાન નેતાઓમાં આશાનો સંચાર થયો છે. તેમને લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં તેમને ઉમેદવારી પણ મળી શકે છે અને સત્તાના સ્થાન પર પહોંચવાની તક પણ મળી શકે છે.
નાગપુરમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં અનેક સિનિયર નેતાઓ પાર્ટીના પોતાના સહકારીઓ સાથે આ બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ ચિંતા ફક્ત ભાજપના જ વિધાનસભ્યો અને સિનિયર નેતાઓમાં છે એવું નથી, આવી જ ચિંતા સાથી પક્ષોના નેતાઓમાં પણ હોવાનું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે.
2024ની વિધાનસભાની ચૂંટણીમાં શત પ્રતિશત ભાજપની શક્યતાઓ અત્યારે ધુંધળી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં સાથી પક્ષો સાથે ભાજપ ચૂંટણી લડે અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બને તો કોઈ નવો વિધાનસભ્ય મુખ્ય પ્રધાન બની જાય. આવામાં સાથી પક્ષોનું સરકારમાં કેટલું વજન રહેશે તેની ચિંતા તેમને થઈ રહી છે.
નાગપુરમાં ભાજપના વિધાનસભ્યોની તાલીમી શિબિરનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બહાર નીકળેલા વિધાનસભ્યોના મુખે એક જ ચર્ચા હતી કે આગામી ચૂંટણીમાં ઉમેદવારી મળવાની ખાતરી નથી ત્યારે આવી શિબિર આયોજિત કરીને શો ફાયદો થવાનો છે?
બીજી તરફ એક-બે સિનિયર નેતાઓ શિબિરમાં અત્યંત અલિપ્ત હોવાનું જોવા મળ્યું હતું. જો સિનિયર નેતાઓ આગામી લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં પણ નિરસ અને અલિપ્ત વલણ અપનાવે તો ભાજપને ચૂંટણીના પરિણામોમાં તેનું મોટું નુકસાન થવાની શક્યતા જોવાઈ રહી છે.