દેશમાં દશેરા પહેલા રાવણને બનાવનારા કારીગરો મૂકાયા મુશ્કેલીમાં….

નવી દિલ્હી: આવતીકાલે દશેરા છે અને સમગ્ર ભારતમાં રાવણના પૂતળાંના દહન અને મીઠાઇઓ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં એશિયાનું સૌથી મોટું રાવણ પૂતળા બજાર છે તેવા દિલ્હીના તાતારપૂરમાં કારીગરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક તરફ મોંઘવારી અને બીજી બાજુ ફટાકડા પરના પ્રતિબંધે દિલ્હીના કારીગરોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. એક સમયે અહીથી છેક વિદેશ સુધી થતી નિકાસ સંકેલાઈને દિલ્હી પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. અહીં 5 ફૂટથી લઈને 60 ફૂટ સુધીની સાઈઝમાં પૂતળાં બનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે માંગમાં ધરખમ ઘટાડો થયો છે. વેપારીઓ કહી રહ્યા છે કે આવી જ સ્થિતિ રહી તો આગામી વર્ષોમાં આ કામ બંધ કરવાની નોબત આવશે.
આ વર્ષે રાવણના પૂતળા બનાવતા કારીગરોનું કહેવું છે કે મોંઘવારીએ તેમના ધંધાને ખરાબ રીતે અસર કરી છે. વાંસ, કાગળ અને તાર જેવી સામગ્રીના ભાવ ગયા વર્ષની સરખામણીએ બમણા થઈ ગયા છે. જેના કારણે પૂતળાના બનાવવાનો ખર્ચ પણ વધી ગયો છે, આથી નફામાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે. ઘણા કારીગરોએ જણાવ્યું કે આ વર્ષે પૂતળાના વેચાણમાં અપેક્ષા મુજબનો ઉત્સાહ બજારમાં જોવા નથી મળ્યો અને આ પરિસ્થિતિએ અમને ચિંતામાં મૂકી દીધા છે.
લગભગ 12 વર્ષથી રાવણના પૂતળા બનાવતા એક કારીગરે કહ્યું હતું કે કોરોના પહેલા કામ ઘણું સારું હતું અને તે રોજના 1200 રૂપિયાની કમાણી કરી લેતા હતા. પરંતુ હવે તે માંડ કરીને રોજના 400 થી 500 રૂપિયાની કમાણી કરે છે. જો કે આ મોંઘવારીમાં પરિવારમાં ટકાવવા માટે પૂરતું નથી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે હવે ખરીદીમાં પણ ઘણો ફરક આવ્યો છે. આથી આજે પણ રાવણના પૂતળાઓ તે જ ભાવે વેંચવા પડે છે જે 10-15 વર્ષ પહેલા હતો.
કારીગરોનું કહેવું હતું કે ફટાકડા પર લાદવામાં આવેલા પ્રતિબંધથી આ વ્યવસાયને ખૂબ જ અસર પહોંચી છે. કારીગરોનું માનવું છે કે રાવણ દહનની ઉજવણીનો અનુભવ ફટાકડા વિના અધૂરો છે. રાવણના પૂતળાના દહન બાદ ફટાકડાનો અવાજ ગુંજી ઉઠે છે. પરંતુ હવે ફટાકડાને લઈને પણ ચિંતા વધી રહી છે. વળી આ રાવણના પૂતળા નહિ વેંચાવાનું મોટું કારણ બની રહ્યું છે.
Also Read –