નવી દિલ્હી: ગત નવેમ્બર મહિનામાં ખાદ્ય ચીજો સસ્તી થવાને કારણે જથ્થાબંધ ફુગાવો ઘટીને ત્રણ મહિનાની નીચી ૧.૮૯ ટકાની સપાટીએ રહેતાં આગામી ફેબ્રુઆરી મહિનાની રિઝર્વ બૅન્કની નાણાનીતિની સમીક્ષામાં મૉનૅટરી પૉલિસી કમિટી વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો આશાવાદ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો : સરકારના યૂ-ટર્ન પછી આવતીકાલે ‘One Nation, One Election’ બિલ લોકસભામાં રજૂ થઈ શકે…
નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે ગત ઑક્ટોબર મહિનામાં જથ્થાબંધ ફુગાવો આંક ૨.૩૬ ટકાના સ્તરે રહ્યો હતો, જ્યારે નવેમ્બર, ૨૦૨૩માં ૦.૩૯ ટકા અને આ પૂર્વે ઑગસ્ટ મહિનાનો ફુગાવો ૧.૨૫ ટકા રહ્યો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નવેમ્બર મહિનામાં ખાસ કરીને શાકભાજીનો ફુગાવો આગલા ઑક્ટોબર મહિનાના ૬૩.૦૪ ટકા સામે ઘટીને ૨૮.૫૮ ટકા રહ્યો હોવાથી એકંદર ખાદ્ય ચીજોનો ફુગાવો આગલા ઑક્ટોબર મહિનાના ૧૩.૫૪ ટકા સામે ઘટીને ૮.૬૩ ટકાના સ્તરે રહ્યો હતો. જોકે, ગત નવેમ્બર મહિનામાં બટાટાનો ફુગાવો ૮૨.૭૯ ટકાની ઊંચી સપાટીએ જળવાઈ રહ્યો હતો, જ્યારે કાંદાનો ફુગાવો તિવ્રપણે ઘટીને ૨.૮૫ ટકાના સ્તરે રહ્યો હતો.
ઈંધણ અને પાવરની શ્રેણીમાં ડિફ્લેશન આગલા ઑક્ટોબર મહિનાના ૫.૭૯ ટકા સામે વધીને ૫.૮૩ ટકાના સ્તરે રહ્યું હતું. તેમ જ ઉત્પાદિત ચીજોમાં ફુગાવો આગલા ઑક્ટોબર મહિનાના ૧.૫૦ ટકા સામે વધીને બે ટકાના સ્તરે રહ્યો હતો.
ગત નવેમ્બર મહિનામાં મુખ્યત્વે ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો થવાથી જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો આવ્યો હોવાથી અપેક્ષા કરતાં વધુ ઉત્પાદિત ચીજોના ફુગાવામાં જોવા મળેલી વૃદ્ધિ સરભર થઈ હોવાનું બાર્કલેઝે એક રિસર્ચ નોટ્સમાં જણાવતાં ઉમેર્યું હતું કે ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં વૈશ્ર્વિક ભાવમાં ૦.૭ ટકાનો વધારો થયો હોવાથી ડિસેમ્બરના જથ્થાબંધ ફુગાવામાં વધારો થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : ‘Palestine’ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યાં પ્રિયંકા ગાંધીઃ ભાજપે કરી ટીકા…
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવાની ગત સપ્તાહે જાહેર થયેલી માહિતી અનુસાર રિટેલ ફુગાવો આગલા ઑક્ટોબર મહિનાના ૬.૨ ટકા સામે ઘટીને ૫.૫ ટકાની સપાટીએ રહ્યો હતો.