મોંઘવારી ત્રણ મહિનાની ટોચે ઔદ્યોગિક ઉત્પાદન ૧૬ મહિનાના શિખરે
નવી દિલ્હી: ખાદ્યસામગ્રીના ભાવ ગયા મહિને (નવેમ્બરમાં) ઊંચા રહેતા છૂટક ફુગાવાનો દર ત્રણ મહિનાની ટોચે એટલે કે ૫.૫૫ ટકા રહ્યો હતો, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ઑક્ટોબરમાં ૧૧.૭ ટકા એટલે કે ૧૬ મહિનાના શિખરે રહ્યો હતો.
ગ્રાહક ભાવાંક (ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) પર આધારિત છૂટક ફુગાવાનો દર ઑક્ટોબરમાં ૪.૮૭ ટકા રહ્યો હતો. અગાઉ, ઑગસ્ટમાં તેની ટકાવારી ૬.૮૭ ટકા હતી. ગયા વર્ષના નવેમ્બરમાં છૂટક ફુગાવો ૫.૮૮ ટકા રહ્યો હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના આંકડા મુજબ ખાદ્યસામગ્રીના ભાવને લગતો ફુગાવાનો દર નવેમ્બરમાં ૮.૭ ટકા, ઑક્ટોબરમાં ૬.૬૧ ટકા અને ગયા વર્ષના નવેમ્બરમાં ૪.૬૭ ટકા હતો.
ભારતીય રિઝર્વ બૅન્કે તાજેતરમાં જાહેર કરેલી આર્થિક નીતિ મુજબ ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાનો દર ૨૦૨૩-૨૪માં ૫.૪ ટકા, વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં ૫.૬ ટકા અને અંતિમ ત્રિમાસિકગાળામાં ૫.૨ ટકા રહેવાની આગાહી કરાઇ હતી.
દરમિયાન, ઑક્ટોબરમાં મેન્યુફેક્ચરિંગ, ખાણ અને વીજ ક્ષેત્રે સારી કામગીરીને લીધે ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ઊંચો રહ્યો હતો. ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રૉડક્શનના રૂપમાં ફેક્ટરીઓના ઉત્પાદનની ટકાવારી ૨૦૨૨ના ઑક્ટોબરમાં ઘટી હતી. ખાણના
ઉત્પાદનની ટકાવારી વધીને ૧૩.૧ રહી હતી, જ્યારે વીજ ક્ષેત્રે ઉત્પાદન ૨૦.૪ ટકા વધ્યું હતું.
ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રૉડક્શન ૨૦૨૩ના એપ્રિલથી ઑક્ટોબર સુધી ૬.૩ ટકાના દરે વધ્યું હતું, જ્યારે એક વર્ષ પહેલાં આ સમયગાળા દરમિયાન તે ૫.૩ ટકા હતું. (એજન્સી)