નેશનલ

ઈન્ડી ગઠબંધનના નેતાઓ પહેલી જૂને લોકસભાની ચુંટણીના દેખાવ પર ચર્ચા કરવા મળશે, ટીએમસી ગેરહાજર રહેશે

નવી દિલ્હી: ઈન્ડી ગઠબંધનના ટોચના નેતાઓની દેશની રાજધાનીમાં એક બેઠકનું આયોજન પહેલી જૂને કરવામાં આવ્યું છે, જેમાં લોકસભાની ચૂંટણીમાં તેમના દ્વારા કરવામાં આવેલા દેખાવનું આકલન કરવામાં આવશે અને પરિણામો બાદની આગામી વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠકનું આયોજન એક જૂને બપોરે કરવામાં આવશે. જ્યારે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હશે.

ઈન્ડી ગઠબંધનના સૌથી સિનિયર નેતા કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે, એમ પણ સૂત્રોએ કહ્યું હતું.

બીજી તરફ ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ)ના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાર્ટીના અધ્યક્ષ મમતા બેનરજી, જનરલ સેક્રેટરી અભિષેક બેનરજી અને અન્ય ટોચના નેતાઓ તે દિવસે મતદાન કરતા હશે અને તેતી તેઓ આ બેઠકમાં હાજર રહી શકશે નહીં. જોકે, સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે ટીએમસીએ અત્યાર સુધી બધી જ ઈન્ડી ગઠબંધનની બેઠકોમાં હાજરી આપી છે.

ટીએમસીએ બેઠકના આયોજકોને આ બાબતની જાણ કરી દીધી છે એમ પણ તેમણે કહ્યું હતું.
પહેલી જૂને બંગાળની કુલ નવ બેઠક પર મતદાન થવાનું છે, જેમાંથી કોલકાતા-ઉત્તર અને કોલકાતા-દક્ષિણ બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠકો પર ટીએમસીના મોટા ભાગના પદાધિકારીઓ તે દિવસે મતદાન કરશે.

વિપક્ષી ગઠબંધન એવો દાવો કરી રહ્યું છે કે તેઓ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએને સત્તામાં પુનરાગમન કરવાથી રોકી શકે છે અને વિપક્ષી ગઠબંધનની સરકારનું ગઠન કરવા માટે બધાને સાંકળવા પર વિચાર કરવામાં આવશે.

ટીએમસીએ પશ્ર્ચિમ બંગાળમાં બેઠકોની વહેંચણીમાં કૉંગ્રેસ કે પછી ઈન્ડી ગઠબંધનના અન્ય કોઈ પક્ષ સાથે કોઈ સમજૂતી કરી નહોતી, પરંતુ તેમના ઉત્તર પ્રદેશના ભદોહીના ઉમેદવારને સમાજવાદી પાર્ટી દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. ઈન્ડી ગઠબંધનમાં કુલ 28 પાર્ટીઓ સાથે છે, જોકે નીતિશ કુમારની જેડીયુ અને રાષ્ટ્રીય લોકદળ જેવી પાર્ટીઓએ ઈન્ડી ગઠબંધન છોડીને એનડીએ સાથે જોડાણ કર્યું છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button