મતદારોને રીઝવવા આ નેતા ગધેડા પર ચડીને કરે છે પ્રચાર! પણ કેમ ?
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અત્યારે પ્રચાર માટે કોઈ કસર છોડી રહ્યા નથી. કોઈ નેતાઓ રોડ શો કરી રહ્યા છે, કોઈ સભાઓ ગજવી રહ્યા છે તો કોઈ નિતનવા પ્રયોગો કરીને મતદાતાઓને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ગોપાલગંજના એક અપક્ષ ઉમેદવાર સત્યેન્દ્ર બેઠા (satyendra baitha) પોતાનો પ્રચાર કરવા ગધેડા પર બેસીને લોકોની વચ્ચે જઈ રહ્યા છે. તેઓ તેમનું ઉમેદવારીપત્ર ભરવા પણ ગધેડા પર બેસીને ગયા હતા.
કુચાયકોટ પ્રખંડના શામપુર ગામના રહેવાસી અને પૂર્વ જિલ્લા કાઉન્સિલર સત્યેન્દ્ર બેઠા ત્રીજી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારી પત્ર ભરવા સમયે તેઓએ ગધેડા પર બેસીને ભવ્ય રેલી કાઢીને કલેકટર કચેરી પહોંચ્યા હતા. હવે તે ગધેડા પર બેસીને જ તેઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે.
શુક્રવારે જિલ્લાના મુખ્યમથકના મૌનીયા ચોક ખાતે નેતાજી ગધેડા પર સવાર થઈને પહોંચ્યા હતા અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સત્યેન્દ્ર બેઠાએ કહ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ જનપ્રતિનિધિ દિલ્હી ચાલ્યા જતાં હોય છે. પોતાના મતવિસ્તારનો કોઈ વિકાસ નથી કરતાં, તેવા લોકો મત મેળવી લીધા બાદ જનતાને મૂર્ખ અને ગધેડા જેવી સમજે છે. આ માટે ગધેડાને સાથે રાખીને લોકોને એ જ સમજાવવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે ગોપાલગંજમાં છેલ્લા ત્રણ દાયકાઓથી કોઈ જ વિકાસ નથી થયો. અને અત્યારે તો ડીઝલ પેટ્રોલના ભાવની પણ મોંઘવારી પણ ખૂબ જ છે.
ગધેડા પણ બેસવા માટેનું કારણ જણાવતા એ પણ કહ્યું હતું કે ચૂંટણીના પ્રચાર માટેનો ખર્ચ ક્યાથી કાઢવો ? આ માટે જ ગધેડાની સવારી આકરી રહ્યો છું અને જનતાને મળીને તેમની પાસેથી મત માંગી રહ્યો છું. ગોપાલગંજ લોકસભા બેઠક પર આગામી છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થવાનું છે. આ બેઠક પર તેમની સામે એનડીએ ગઠબંધનથી જેડીયુંના સાંસદ ડૉ. આલોક કુમાર સુમન, મહાગઠબંધનથી પ્રેમનાથ ચંચલ પાસવાન અને બસપાથી સંજીત રામ સહિત કુલ 11 ઉમેદવારો મેદાને છે.