ઇન્દિરા ગાંધીને માળા પહેરાવનાર ઈન્દોરનો હાથી ‘મોતી’ વિવાદમાં: ગુજરાતના ‘વનતારા’માં મોકલવા સામે વિરોધ

ઈન્દોર: મધ્ય પ્રદેશના ઈન્દોરના કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલયનો ચર્ચિત હાથી ‘મોતી’ ફરી ચર્ચામાં આવ્યો છે. ૬૫ વર્ષીય આ મહાકાય હાથી જેણે એક સમયે દેશનાં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને માળા પહેરાવી હતી, તેનું ભવિષ્ય હાલ વિવાદોમાં ઘેરાયું છે. તાજેતરમાં, હાય પાવર કમિટીએ ભલામણ કરીને મોતીને અનંત અંબાણીના વાઇલ્ડલાઇફ પ્રોજેક્ટ ‘વનતારા’માં મોકલવાની ભલામણ કરી છે. જોકે, આ ભલામણ સામે ઇન્દોર પ્રાણી સંગ્રહાલય મેનેજમેન્ટ અને નગર પાલિકાએ બંનેએ સખત વિરોધ નોંધાવ્યો છે.
હાય કમિટીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે મોતીને ‘વનતારા’ સેન્ટરમાં સ્થાનાંતરિત કરવો જોઈએ, જ્યાં પશુઓ સંરક્ષણ અને દેખરેખ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, પ્રાણી સંગ્રહાલય અને નગર નિગમની આ ભલામણથી સહમત નથી.
મોતીને ઈન્દોરમાં રાખવાનો આગ્રહ
નગર પાલિકાના કમિશનર દિલીપ યાદવે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે મોતી હવે ઘણો વૃદ્ધ થઈ ગયો છે અને માનસિક રીતે પણ નબળો પડ્યો છે. તેને નવી જગ્યાએ મોકલવો તેના આરોગ્ય માટે પણ મુશ્કેલી લાવી શકે છે. અમારી પ્રાથમિકતા તેની સુરક્ષા અને ભલાઈ છે, તેથી અમે મોતીને ઇન્દોરમાં જ રાખવાની ભલામણ કરી છે. પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓનું પણ કહેવું છે કે મોતીની ઉંમર અને માનસિક સ્થિતિ જોતાં આટલી લાંબી મુસાફરી તેના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
હાલ એક એકરમાં રાખ્યો છે
દિલીપ યાદવે વધુમાં જણાવ્યું કે મોતીને એવા વાતાવરણમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેને કોઈ પ્રકારની પરેશાની ન થાય અને તે એકલતા અનુભવે નહીં. આ માટે ઉજ્જૈનથી એક માદા હાથી લાવવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. હાલમાં મોતીને પ્રાણી સંગ્રહાલયમાં એક એકર વિસ્તારમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેના માટે સ્વિમિંગ પુલ અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા પણ છે.
ઇન્દોરની વિરાસત ‘મોતી’
મોતી માત્ર એક હાથી નથી, પણ ઇન્દોરની વિરાસતનો ભાગ બની ચૂક્યો છે. મોતીને ૧૯૬૦માં બિહારના સોનપુર મેળામાંથી ખરીદીને ઇન્દોર લાવવામાં આવ્યો હતો. તેની સૌથી ચર્ચિત યાદગીરી એ છે જ્યારે તેણે નેહરુ સ્ટેડિયમમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાની સૂંઢથી પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને માળા પહેરાવી હતી.
મોતી એક ‘મખના’ નસ્લનો હાથી છે, જે પોતાની સમજદારી માટે જાણીતો છે. તે ‘માઉથ ઓર્ગન’ વગાડવું અને ‘રામ’ બોલવાનો પ્રયત્ન પણ કરતો હતો. જોકે, તેના ગુસ્સાવાળા સ્વભાવને કારણે પ્રાણી સંગ્રહાલયની ટીમ તેની સુરક્ષાને લઈને હંમેશાં સતર્ક રહે છે.