ઓનલાઈન ગેમમાં 3000 હારતાં 12 વર્ષના છોકરાએ કરી લીધો આપઘાત, ઈન્દોરની ચોંકાવનારી ઘટના

ઇન્દોર: સમગ્ર દેશમાં સતત વધી રહેલું ઓનલાઈન ગેમનું દુષણ હવે જીવલેણ બની રહ્યું છે. જેમાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઇન્દોરના એમઆઈજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 વર્ષના
એક બાળકે ઓનલાઈન ગેમની લતમાં આત્મહત્યા કરી લીધી છે. આ બાળક આઠમા ધોરણ અભ્યાસ કરે છે આ ઘટના બાદ સમગ્ર પરિવાર શોકમગ્ન છે. આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.
દરવાજો ના ખોલતા પરિવારના સભ્યોને શંકા ગઈ
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, 31 જુલાઈના રોજ બાળક પોતાની માતાના મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન તેની માતાના બેંક એકાઉન્ટમાંથી 3000 રૂપિયા કપાયા હતા. જયારે તેની માતાને જાણ થઈ ત્યારે તેને સમજાવ્યો હતો. પરંતુ બાળકે કોઈ પ્રતિક્રિયા ના આપી અને ચૂપચાપ તેના રૂમમાં જતો રહ્યો હતો. બાળકે લાંબા સમય સુધી દરવાજો ન ખોલતા પરિવારના સભ્યોને શંકા ગઈ હતી. તેમણે રૂમનો દરવાજો તોડ્યો હતો. તેમજ અંદરનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા અને બુમાબુમ કરવા લાગ્યા હતા. બાળકે પંખા પર ફાંસી લગાવી લીધી હતી.
બાળકનો જન્મ દિવસ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો
આ ઘટના બાદ પરિવારજનો બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે આ પૂર્વે 30 જુલાઈના રોજ ઘરમાં જ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. તેની બાદ કોઈને અંદાજ પણ ન હતો કે આગલા દિવસે ઘરમાં શોકનો માહોલ છવાઈ જશે.
ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મુકવા અપીલ
આ ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. તેમજ ઘરમાં તપાસ શરુ કરી હતી. પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. આ અંગે તપાસ અધિકારી રાજેશ જૈને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં
આત્મ હત્યાનું કારણ ઓનલાઈન ગેમ અને નાણાંનું ટ્રાન્ઝેક્શન હોવાનું મનાય છે. ત્યારે મૃતક બાળકના પરિજનોએ સરકારને અપીલ કરી છે કે બાળકના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનના રાખીને ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મુકવામાં આવે.
આ પણ વાંચો…ટ્યુશન ટીચરનો આપઘાત: દીકરીને ન્યાય આપવવા માટે સમાજ આવ્યો મેદાનમાં, કેન્ડલ માર્ચ કાઢી…