45 દિવસમાં અઢી લાખની કમાણી, બાઇક-સ્માર્ટફોન, મકાન સહિતની સંપત્તિ! ઇન્દોર પોલીસે પકડી માલામાલ ભિખારણ
ઇન્દોર: 2 માળનું મકાન, લાખો રૂપિયાનું બાઇક, 20,000નો સ્માર્ટફોન, અને ફક્ત 6 અઠવાડિયામાં 2.5 લાખની કમાણી. આ કોઇ ઉચ્ચવર્ગના વ્યક્તિની સંપત્તિની વિગતો નથી, પણ મંદિરના એક ખૂણે ભીખ માંગીને જીવનનિર્વાહ કરતી ઇન્દ્રાબાઇ નામની ભિખારણની સંપત્તિની વિગતો છે.
ઇન્દોર પોલીસે ઇન્દ્રાબાઇની તેના બાળકોને બળજબરીપૂર્વક ભિક્ષાવૃત્તિ કરાવવાના તથા તેમની પાસેથી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ કરાવવા માટે ધરપકડ કરી છે. તેની 7 વર્ષની માસૂમ દિકરીને એક NGOના સંરક્ષણમાં મોકલી આપવામાં આવી છે. જ્યારે NGOના વોલેન્ટિયર્સે તેને પૂછ્યું ત્યારે ઇન્દ્રાબાઇએ જવાબ આપ્યો હતો કે ભૂખે મરવા કરતા અમને ભીખ માંગીને જીવવું વધારે યોગ્ય લાગ્યું. એ ચોરી કરવા કરતા સારું જ છે. જો કે ભીખ માંગવાની આ પ્રવૃત્તિમાં તેણે જે સંપત્તિ ભેગી કરી છે તેને જોઇને કલ્પના પણ ન આવે કે તેનું જીવનધોરણ કોઇ ઉચ્ચવર્ગના વ્યક્તિ જેવું હશે.
ભિખારીઓને ભીખ માંગવાનું છોડીને અન્ય સારી પ્રવૃત્તિઓ તરફ વાળવાના ઇન્દોર મહાનગરપાલિકાના મિશનમાં શહેરના ઘણા NGO સાથે મળીને કામ કરી રહ્યા છે. આ કામમાં સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી છે. NGOના વોલેન્ટિયર્સ દ્વારા શહેરના કુલ 7000 ભિખારીઓ વિશેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાંથી 50 ટકા બાળકો છે. ઇન્દોર શહેરના લગભગ 38 અલગ અલગ વિસ્તારોમાં તેઓ ભિક્ષાવૃત્તિ કરે છે અને તેમાંથી વાર્ષિક અંદાજે 20 કરોડ જેટલું તેઓ કમાઇ લે છે.
7 વર્ષની દિકરી સિવાય ઇન્દ્રાબાઇને એક 10, 8, 3 અને 2 વર્ષના બીજા 4 બાળકો છે. જેને તે અલગ અલગ વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિ માટે મોકલતી હતી. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પણ ભિક્ષાવૃત્તિ કરીને તેણે ઘણા રૂપિયા કમાવ્યા છે. મહાકાલ મંદિરના દર્શને આવતા દરરોજના આશરે 2000-3000 શ્રદ્ધાળુઓ પાસેથી તેમને દરરોજની લાખો રૂપિયાની કમાણી થતી હતી તેવું મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.