ઈન્દોરમાં આ વખતે રાવણ નહીં, શૂર્પણખાનું દહન! પતિની હત્યા કરનાર મહિલાઓને રાવણના પૂતળામાં સ્થાન | મુંબઈ સમાચાર
નેશનલ

ઈન્દોરમાં આ વખતે રાવણ નહીં, શૂર્પણખાનું દહન! પતિની હત્યા કરનાર મહિલાઓને રાવણના પૂતળામાં સ્થાન

ઈન્દોર: નવરાત્રી બાદ દશમીના દિવસે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે, અને આ પર્વ ભગવાન શ્રીરામના વનવાસકાળ દરમિયાન લંકાનરેશ રાવણ યુદ્ધ સાથે જોડાયેલુ છે. રામાયણમાં જેનો ઉલ્લેખ યુદ્ધ કાંડમાં કરવામાં આવ્યો છે. દશેરાના દિવસે રાવણ વધની યાદમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે પરંતુ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં આ વર્ષે દશેરાના દિવસે રાવણ દહન નહિ પણ શૂર્પણખાનું દહન કરવામાં આવશે. હવે તમને પણ સવાલ થતો હશે કે રાવણને બદલે શૂર્પણખાનું દહન કેમ? તો ચાલો જાણીએ.

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક અનોખો દહન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. એક સંસ્થાએ જાહેરાત કરી છે કે તે પરંપરાગત રાવણ દહનને બદલે ‘શૂર્પણખા દહન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ માટે પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યુ છે, જેમાં 11 મુખી શૂર્પણખાના દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં મેરઠની નીલા ડ્રમવાળી મુસ્કાન અને સોનમ રઘુવંશી સહિત 11 મહિલાઓની તસવીરો છે. આયોજકોનું કહેવું છે કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એ સંદેશ આપવાનો છે કે બુરાઈ ગમે તે સ્વરૂપે હોય, તેનો અંત નિશ્ચિત છે.

આ ઇવેન્ટનું આયોજન પૌરુષ સંસ્થા દ્વારા મહાલક્ષ્મી ગ્રાઉન્ડ પર કરવામાં આવશે. સંસ્થાના અધ્યક્ષ અશોક દશોરાએ જણાવ્યું કે, “આ વખતે અમે રાવણ દહનની થીમ બદલીને દશેરા પર શૂર્પણખા દહન રાખી છે. સવાલ રાવણનો નથી, પરંતુ બુરાઈનો છે. તાજેતરમાં દેશભરમાં અનેક મહિલાઓએ પોતાના પતિની હત્યા કરી છે. આ પણ એક સામાજિક બુરાઈ છે. તેથી અમે આવા કાર્યક્રમનું આયોજન કરવાનું વિચાર્યું છે.”

તેમણે જણાવ્યું હતું કે મુખ્ય ચહેરો સોનમ રઘુવંશીનો હશે. સંસ્થાએ ૧૧ મુખવાળું પૂતળું તૈયાર કર્યું છે. જેમાં સોનમ રઘુવંશી (ઇન્દોર), મુસ્કાન (મેરઠ, પતિને વાદળી ડ્રમમાં મારીને નાખનારી), હર્ષા (રાજસ્થાન), નિકિતા સિંઘાનિયા (જૌનપુર), સુષ્મિતા (દિલ્હી), રવિતા (મેરઠ), શશિ (ફિરોઝાબાદ), સૂચના શેઠ (બેંગલુરુ), હંસા (દેવાસ), ચમન ઉર્ફે ગુડિયા (મુંબઈ) અને પ્રિયંકા (ઔરૈયા)નો સમાવેશ થાય છે.

આપણ વાંચો:  દિલ્હીમાં પોલીસની PCR વાને નિર્દોષનો ભોગ લીધો: ફૂટપાથ પર ચાલતા વ્યક્તિને ટક્કર મારતા મોત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button