આ વ્યક્તિએ બનાવ્યું 57 કિલો વજનનું ‘બંધારણ’, પિત્તળની ધાતુમાંથી બનેલા છે દરેક પાના
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક વકીલે 98 પાનાનું એક ભારેખમ પુસ્તક બનાવ્યું છે. જેનું વજન આશરે 57 કિલો જેટલું છે. આ દળદાર પુસ્તકના દરેક પાના પિત્તળની ધાતુમાંથી બનેલા છે. જેને કારણે તે લોકોમાં આશ્ચર્યનું કેન્દ્ર બન્યું છે.
લોકેશ મંગલ નામના આ વ્યક્તિએ આ પુસ્તકમાં 193 દેશોના બંધારણની કેટલીક વિગતોનો સમાવેશ કર્યો છે. આથી તેણે તેના પુસ્તકનું નામ પણ ‘બંધારણ’ રાખ્યું છે. 4 ફૂટ લાંબા આ પુસ્તકના નિર્માણમાં 6 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. પુસ્તકના પાના પિત્તળમાંથી બનાવવા અંગે લોકેશે જણાવ્યું હતું કે કાગળો વર્ષો જતા ફાટી જાય, લખાણ જતું રહે પરંતુ ધાતુ પર બનેલા ચિત્રો અને લખાણ વર્ષો સુધી જળવાયેલા રહે.
આથી કાગળને બદલે પિત્તળની ધાતુ પર વિગતો લખવામાં આવી છે. દુનિયાના 193 દેશોના રાષ્ટ્રીય પ્રતીકો, બેંક, આર્મી, નેવી, સંસ્કૃતિ, ન્યાય વ્યવસ્થાને લગતી બાબતો પર આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
આ પુસ્તકના નિર્માણકાર્ય માટે લોકેશ મંગલે ક્રાઉડ ફંડિગ દ્વારા નાણા એકત્ર કર્યા હતા. 200 શહેરોના 42 હજાર લોકો પાસેથી ફક્ત 1-1 રૂપિયાનું દાન મેળવી એ નાણામાંથી પુસ્તક નિર્માણ પામ્યું હતું. ઉપરાંત આ કાર્યમાં તેને સ્થાનિક તંત્ર, અધિકારીઓનો પણ સાથ મળ્યો હતો