
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસી રહેલા સબંધોને કારણે તેની ગંભીર અસર જાહેર પરિવહન પર પડી શકે છે. હાલના તબક્કે યુદ્ધના સંજોગોને કારણે દેશની હવાઈ સેવા પર અસર પડી છે, જેમાં 15મી મે સુધી દેશના મહત્વનાં 24 એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા હોવાથી એરપોર્ટના પ્રવાસીઓ ફસાઈ ગયા છે. આ પ્રવાસીઓને તેમના વતન અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. જોકે એકસાથે અનેક એરપોર્ટ બંધ કરવાની જાહેરાતથી હજારો પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાઈ ગયા છે, તેથી રેલવેએ રેગ્યુલર ટ્રેન સાથે વિશેષ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે જમ્મુ અને ચંદીગઢ એરપોર્ટ બંધ હોવાને કારણે અનેક લોકો ફસાયા છે. આ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ભારતીય રેલવે વિશેષ ટ્રેન દોડાવશે. હાલમાં રેગ્યુલર ટ્રેન દોડવાય છે તેમ જ જરૂરિયાત અનુસાર નવી ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવશે.
રેલવેના અહેવાલ અનુસાર રેલવે પ્રધાનના નિર્દેશ પર જમ્મુ અને ઉધમપુરથી ચાર ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી. રેલવેએ જમ્મુ સ્ટેશનથી સવારે 10:45 વાગ્યે 12 અનરિઝર્વ્ડ ક્લાસ કોચ અને 12 રિઝર્વ્ડ ક્લાસ કોચ સાથે પ્રથમ ખાસ ટ્રેન 04612 ચલાવી હતી. 20 ડબ્બાવાળી વંદે ભારત એક્સપ્રેસ ઉધમપુરથી બપોરે 12:45 વાગ્યે નીકળી અને જમ્મુ અને પઠાણકોટ થઈને નવી દિલ્હી પહોંચશે આ ઉપરાત, 22 LHB કોચ ધરાવતી ખાસ ટ્રેન જમ્મુ સ્ટેશનથી સાંજે 7.00 વાગ્યે રવાના થઈ હતી. બીજી એક વંદે ભારત સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી, જે જમ્મુથી બપોરે 3.30 વાગ્યે ઉપડશે અને સાંજના પાટનગર નવી દિલ્હી સ્ટેશન પહોંચશે. આ ઉપરાત, દરેક ઝોન માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. વૈષ્ણોદેવીથી દિલ્હી માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. પ્રવાસીઓની મદદ માટે હેલ્પ લાઇન પણ જાહેર કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.