દેશના આ 6 એરપોર્ટ પર આજથી ફરી ફ્લાઇટ્સ શરૂ થશે, આ એરલાઈન્સે આપી માહિતી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ (India-Pak tension) દરમિયાન પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાના પ્રયાસને ધ્યાનમાં રાખીને દેશના ઘણાં એરપોર્ટસ પર કામગીરી બંધ કરવામાં આવી હતી. હવે યુદ્ધ વિરામની જાહેરાત બાદ એરપોર્ટસ ફરી શરુ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિગો એલાઈન્સ(Indigo Airlines)એ મંગળવારે જણાવ્યું હતું કે રાજકોટ અને અમૃતસર સહિત છ એરપોર્ટ પરથી નિયમિત ફ્લાઇટ્સ બુધવારથી ધીમે ધીમે ફરી શરૂ થશે.
સોમવારે એરલાઇને મંગળવાર માટે જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટ જતી-આવતી ફ્લાઇટ્સ રદ કરી હતી.
ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટ માટે કામગીરી 14 મે, 2025 થી ધીમે ધીમે ફરી શરૂ થશે. દરેક ફ્લાઇટ કાળજીપૂર્વક કોર્ડીનેશન સાથે શરૂ કરવામાં આવી રહી છે. દરેક યાત્રા સરળ અને સલામત રહે તેની ખાતરી કરવામાં આવી રહી છે.”
ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષને ધ્યાનમાં રાખીને દેશનના 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતાં. હવે આ છ એરપોર્ટ્સપર કામગીરી ફરી શરુ કરવામાં આવશે.
આ એરલાઈન્સ પણ કામગીરી શુર કરશે:
એક સૂત્રના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયા પણ આ એરપોર્ટ્સ પર તબક્કાવાર ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. મંગળવારે એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે શ્રીનગર માટે ફ્લાઇટ્સ ફરી શરૂ કરી, જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસે જમ્મુ માટે સર્વિસઓ શરૂ કરી. સ્પાઇસજેટના એક અધિકારીએ જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં ફરીથી ખુલેલા અન્ય એરપોર્ટ પર ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે.