
મુંબઈ પછી વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ
વારાણસી: એવિયેશન ક્ષેત્રે એક જ દિવસમાં ત્રણ મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મુંબઈમાં એર ઇન્ડિયાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાના અહેવાલ વચ્ચે આજે સાંજે ઈન્ડિગોની ફલાઇટનું વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફલાઈટમાં આશરે 166 પ્રવાસી મુસાફરી કરી રહ્યા હોવાથી પણ પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ પછી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ બનાવ અંગે અધિકારીએ કહ્યું હતું કે કોલકાતાથી શ્રીનગરની ઈન્ડિગોની ફલાઇટમાં ફ્યુઅલ લીકેજ થયું હોવાની જાણ થયા બાદ પાઇલટે વારાણસી એરપોર્ટ ખાતે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. અચાનક લેન્ડિંગને કારણે પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. જોકે પાઇલટની સમયસૂચકતાને કારણે ફલાઇટનું સુરક્ષિત રીતે ઉતરાણ કરી શકાયું હતું.
આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટનું મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ: મોટી દુર્ઘટના ટળી પણ…
વધુમાં અધિકારીએ કહ્યું કે 36,000 ફૂટની ઉંચાઈ પરથી ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજની જાણ થઈ હતી. ઑન એર ફલાઇટમાં ફ્યુઅલ લીકેજની જાણ થયા પછી પાઇલટે નજીકના એરપોર્ટ વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો અનુરોધ કર્યો હતો. ATCની મંજૂરી મળ્યા પછી ફલાઇટનું વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટર નેશનલ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને ફલાઈટના મુસાફરોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
ઈન્ડિગોની ફલાઇટ (6E 6961) કોલકાતાથી શ્રીનગર માટે ઉડાન ભરી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ પછી પ્રવાસીઓને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા અને ફલાઇટની લગભગ બે કલાક સુધી તપાસ કરવામાં આવી હતી. ગઈકાલે મધરાતે મુંબઈમાં અમેરિકા જતી એર ઇન્ડિયાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જયારે સવારે રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર પણ દુર્ઘટનાનું ભોગ બન્યું હતું, જેમાં પ્રેસિડેન્ટનો બચાવ થયો હતો.