નેશનલ

મુંબઇ એરપોર્ટ પર સેંકડો યાત્રી 16 કલાક સુધી અટવાયા, ઇન્ડિગોએ જણાવ્યું કે….

ટેકનિકલ કારણોસર મુંબઇથી ઇસ્તંબુલ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 16 કલાક મોડી પડતા યાત્રીઓ અટવાઇ ગયા હતા. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સેંકડો મુસાફરો 16 કલાક સુધી ફસાયા હતા. આ મુસાફરો ઇસ્તંબુલની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હતા, પરંતુ ટેકનિકલ સમસ્યા આવતા ફ્લાઇટ મોડી પડી હતી.m ઈન્ડિગોએ બાદમાં મુસાફરોને પડી રહેલી મુશ્કેલી માટે માફી માંગી હતી. ફ્લાઇટ નંબર 6E17 સવારે 6.55 વાગ્યે ઇસ્તંબુલ માટે ટેકઓફ કરવાની હતી. એરલાઈને બાદમાં જાહેરાત કરી હતી કે બીજી ફ્લાઈટ રાત્રે 11 વાગ્યે ઉપડશે. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમને અફસોસ છે કે અમારી ફ્લાઈટ 6E17 જે મુંબઈથી ઇસ્તંબુલ જવાની હતી, તે ટેક્નિકલ સમસ્યાઓના કારણે વિલંબિત થઈ હતી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે દુર્ભાગ્યવશ, સમસ્યાને ઠીક કરવા અને ફ્લાઇટને તેના ગંતવ્ય સ્થાન પર મોકલવાના અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આખરે અમારે ફ્લાઇટ રદ કરવી પડી હતી.

સૂત્રોનું કહેવું છે કે ફ્લાઈટ ત્રણ-ત્રણ વખત મોડી પડી હતી. આ સમયગાળા દરમિયાન, મુસાફરોને ત્રણ વખત ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. તેમને અંતિમ પ્રસ્થાન સમય વિશે માહિતી આપતા પહેલા આ બધું થતું રહ્યું હતું. ફ્લાઇટ ક્યારે ઉપડશે એની પ્રવાસીઓને કોઇ જ જાણકારી નહોતી. તે સમયે મુસાફરોમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ એરપોર્ટ પર વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું. મળતી માહિતી મુજબ, આ લોકોએ કહ્યું હતું કે કાં તો એરલાઈન્સ ટિકિટ રિફંડ કરે અથવા અન્ય પ્લેનની વ્યવસ્થા કરે. લોકોએ ફ્લાઇટમાં વિલંબ અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદો પણ કરવા માંડી હતી. સોનમ સાયગલ નામના યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘મારો ભાઈ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 12 કલાકથી અટવાયેલો છે.

આ બધું ઈન્ડિગો અને તેમના સ્ટાફના બિનવ્યાવસાયિક વર્તનને કારણે થઈ રહ્યું છે.’ સોનમે આગળ લખ્યું હતું કે, ‘સૌથી પહેલા ઇસ્તંબુલની ફ્લાઈટ મોડી પડી. આ પછી, તેને ઘણી વખત ફ્લાઈટમાં ચઢાવવામાં આવ્યો અને પછી ઉતારવામાં આવ્યો.’ તેના મતે સ્ટાફ ખૂબ જ અસંસ્કારી હતો. રીશેડ્યુલિંગ અને રિફંડ અંગે કોઈ પ્રતિસાદ મળતો નહોતો. સેંકડો મુસાફરો રાહ જોઈ રહ્યા હતા અને તેમને પ્રાથમિક માહિતી પણ નહોતી મળી રહી.

Also read :ઈન્ડિગો પર કેમ ભડક્યા કોમેન્ટેટર Harsha Bhogle,એરલાઇન્સે કરવી પડી સ્પષ્ટતા

અન્ય યુઝર સચિન ચિંતલવાડે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેણે ઇસ્તંબુલથી વોશિંગ્ટન માટે કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાની હતી, પરંતુ ઉડ્ડયનમાં વિલંબને કારણે તેને ડર હતો કે તે બીજી ફ્લાઈટ ચૂકી જશે. તેણે એરલાઇનને પૂછ્યું હતું કે, શું કરવું. બિરેશ કુમાર સિંહ નામના અન્ય એક મુસાફરે પણ આવી જ ફરિયાદ કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘ફ્લાઇટ ક્યારે ઉપડશે તેનો સ્ટાફને કોઈ ખ્યાલ નથી. ખૂબ જ નબળી સેવા.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button