એક રિસેપ્શન ઐસા ભી, બોલો સ્ટેજ સજાવટ અને મહેમાનોની હાજરી, પણ વર-વધુ જ ગેરહાજર…

હેડિંગ વાંચીને તમે પણ વિચારી રહ્યા હશો કે આવું કઈ રીતે થઈ શકે અને થયું પણ હોય તો એનું કારણ શું છે? દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સની 900થી વધુ ફ્લાઈટ કેન્સલ થતાં હવે સામાન્ય જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. આ સમસ્યાને કારણે જ કર્ણાટકના હુબલીમાં આ અનોખું રિસેપ્શન યોજાયું હતું, જેમાં વર-વધુ ખુદ જ પોતાના રિસેપ્શનમાં પહોંચી શક્યા નહોતા અને એટલે તેમના વિના જ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ અનોખા રિસેપ્શનમાં વર-વધુએ ઓનલાઈન હાજરી આપી હતી. ચાલો તમને આખી ઘટના વિશે વિસ્તારથી જણાવીએ…
સોશિયલ મીડિયા પર આ અનોખા રિસેપ્શનના વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ત્રીજી ડિસેમ્બરના કર્ણાટકના હુબલી ખાતે યોજાયેલા આ રિસેપ્શનમાં વર-વધુની જગ્યાએ બંનેના માતા-પિતા સ્ટેશન પર બેઠા હતા અને નવપરિણીત દંપતિ ભુવનેશ્વરથી ઓનલાઈન વીડિયો કોલ પર પોતાના રિસેપ્શનમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો : ઇન્ડિગો પર મોટી આફત: ગુરુવારે 600 ફ્લાઇટ્સ રદ! હજારો મુસાફરો…
મળતી માહિતી મુજબ આ રિસેપ્શન હતું હુબલીની મેધા ક્ષીરસાગર અને ભુવનેશ્વરના સંગમ દાસનું. મેધા અને સંગમ બંને બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર છે અને 23મી નવેમ્બરના તેમણે ભુવનેશ્વરમાં લગ્ન કર્યા હતા. પહેલાંથી નક્કી કર્યા પ્રમાણે રિસેપ્શન મેધાના હોમટાઉન હુબલીમાં યોજાવવાનું હતું. હુબલીના ગુજરાત ભવનમાં બધી તૈયારીઓ પણ થઈ ગઈ હતી.
મેધા અને સંગમ બીજી ડિસેમ્બરના રોજ ભુવનેશ્વરથી બેંગ્લોર થઈને હુબલી પહોંચવાના હતા, જ્યારે કેટલાક સંબંધીઓએ ભુવનેશ્વર-મુંબઈ- હુબલી ફ્લાઈટ લીધી હતી. પરંતુ મેધા અને સંગમની બીજી ડિસેમ્બરની સવારની 9 વાગ્યાની પ્લાઈસ સતત લેટ થતી રહી અને બીજા દિવસે સવારે 4-5 વાગ્યે ફ્લાઈટ અચાનક કેન્સલ થઈ ગઈ.
આ પણ વાંચો : Viral Video: દીકરી બીમાર છે, બ્લીડિંગ થઈ રહ્યું છે પ્લીઝ મને…. ઈન્ડિગોના કર્મચારી પાસે મદદ માંગતો રહ્યો એક પિતા અને…
ફ્લાઈટ કેન્સલ થતાં મેધા અને સંગમ સમયસર હુબલી ના પહોંચી શક્યા. આવી પરિસ્થિતિમાં પરિવારે રિસેપ્શન કેન્સલ કરવાની જગ્યાએ ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો. પરિવારે વેન્યુ પર પોઈન્ટ સ્ક્રીન લગાવી અને વર-વધુ વીડિયો કોન્ફરન્સિંગથી મહેમાનો સાથે જોડાયા. સ્ટેજ પર વર-વધુની જગ્યાએ તેમના માતા-પિતા સ્ટેજ પર બેઠા હતા.
મેધાની માતાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મેધા અને સંગમના લગ્ન 23મી નવેમ્બરના યોજાયા હતા અને બધું બરાબર ચાલી રહ્યું હતું. બીજી-ત્રીજી ડિસેમ્બરે રિસેપ્શન હતું, બધા મહેમાનોનો આમંત્રણ આપી દેવાયું હતું અને ત્રીજી ડિસેમ્બરના ખબર પડી કે મેધા અને સંગમની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. અમે લોકોએ ખૂબ જ રાહ જોઈ કે તેઓ કોઈ પણ રીતે પહોંચી શકે, પરંતુ એવું ના થયું અને અમારે ઓનલાઈન રિસેપ્શન કરવું પડ્યું હતું.



