નેશનલ

ઈંગ્લેન્ડ સામે ભારતની મહિલા ક્રિકેટ ટીમનો ૩૪૭ રને વિજય

વિજયનો ઉત્સાહ: નવી મુંબઈના ડી. વાય. પાટિલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં વિજય મેળવ્યા પછી જીતની ટ્રોફી સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. (પીટીઆઈ)

નવી દિલ્હી: અહીં ઈંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતની મહિલા ટીમે ઈંગ્લેન્ડને ૩૪૭ રને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ ટેસ્ટ મેચ માત્ર ત્રણ જ દિવસમાં પતી ગઈ હતી. ભારત તરફથી બીજા દાવમાં આઠ ઓવરમાં ૩૨ રન આપી ચાર વિકેટ ઝડપનારી દિપ્તી શર્માએ આ વિજયમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

દિપ્તી શર્માએ પહેલા દાવમાં પાંચ ઓવરમાં સાત રન આપી પાંચ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની આખી ટીમને માત્ર ૧૩૬ રનમાં તંબૂ ભેગી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ભારતે આ મેચમાં પ્રથમ રમતાં ૪૨૮ રન નોંધાવ્યા હતા. તેમાં ભારત તરફથી ચાર મહિલા ક્રિકેટરોએ ૬૦થી ઉપર રન નોંધાવ્યા હતા. ભારતની મહિલા ટીમે ૪૦૦ કરતાં વધુ રન નોંધાવ્યા. તેની સામે ઈંગ્લેન્ડની ટીમ ૧૩૬ રનમાં ઓલઆઉટ થતાં ભારતને ૨૯૮ રનની સરસાઈ મળી હતી.

પણ, ભારતે ઈંગ્લેન્ડને ‘ફોલોઑન’ આપવાને બદલે ફરી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતે છ વિકેટે ૧૮૬ રન નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી તેની બોલર ચાર્લી ડીને ૧૯ ઓવરમાં ૬૮ રન આપી ચાર અને સોફીએ એકલેસ્ટને ૧૫ ઓવરમાં ૭૬ રન આપી બે વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી હરમનપ્રીતે સૌથી વધારે ૪૪ રન ફટકાર્યા હતા. શેફાલી વર્માએ ૩૩, સ્મૃતિ મંધાનાએ ૨૬, જેમિમા રોડ્રીગ્સે ૨૭ અને દિપ્તી શર્માએ ૨૦ રન કર્યાં હતા.

ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ભારતે છ વિકેટે ૧૮૬ રને દાવ ડિકલેર કર્યો હતો અને ઈંગ્લેન્ડને વિજય મેળવવા માટે ૪૭૯ રનનું તોતિંગ લક્ષ્ય અપાયું
હતું. આ સ્કોરની સામે ઈંગ્લેન્ડની ટીમ ૧૩૧ રનમાં જ ઓલઆઉટ થઈ જતાં ભારતે ૩૪૭ રને ભવ્ય વિજય મેળવ્યો હતો.

ઈંગ્લેન્ડ સામે ભારતે ૩૪૭ રને મેળવેલો વિજય એ મહિલા ક્રિકેટમાં કોઈ પણ ટીમે મેળવેલો સૌથી મોટો વિજય છે. આ અગાઉ એપ્રિલ ૧૯૯૮માં શ્રીલંકાની મહિલા ટીમે પાકિસ્તાન સામે ૩૦૯ રને વિજય મેળવ્યો હતો.

ભારત તરફથી દિપ્તી શર્માએ ૩૨ રનમાં ચાર અને પૂજા વસ્ત્રકારે ૨૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…